પેરિસ ઓલિમ્પિક : ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ રચ્યો ઈતિહાસ, રોમાનિયાને હરાવી ભારતની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
Paris Olympics 2024, Table Tennis: ભારતીય ઓલિમ્પિકસના ઈતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે ભારતીય ટીમ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પડકાર કરી રહી છે. શ્રીજા, અર્ચના કામથ અને મનિકા બત્રાની ટીમે રોમાનિયાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. વિશ્વની 11 નંબરની ભારતીય ટીમે રોમાંચક મેચમાં ચોથા નંબરની રોમાનિયન ટીમને 3-2થી હરાવી હતી.
શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડી સૌથી પહેલા મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. જોડીએ પ્રારંભિક મેચમાં રોમાનિયાની એડીના અને સમારાની જોડીને 3-0થી હરાવીને લીડ મેળવી હતી. આ જોડીએ એડીના અને સમારાને 11-9, 12-10, 11-7ના અંતરથી હરાવ્યા હતા. ત્યારબાદ મનિકાએ આગામી મેચ માટે રમવા આવી હતી. જેમાં તેણે બર્નાડેટને 11-5, 11-7, 11-7ના અંતરથી હરાવી હતી. આ રીતે ભારતીય ટીમે રોમાનિયા પર 2-0થી સરસાઈ મેળવી લીધી હતી.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેનની સફરનો અંત, બ્રોન્ઝ મેડલ મેચમાં મલેશિયન સામે હાર
પહેલા બે મેચમાં 2-0થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ ત્રીજી મેચમાં પાછળ રહી ગઈ હતી. સિંગલ્સ મેચમાં શ્રીજા અકુલા એલિઝાબેથ સમારા સામે હારી ગઈ હતી. સમારાએ આ મેચમાં શ્રીજાને 3-2થી હરાવી હતી. શ્રીજા અને સમારા વચ્ચેનો મુકાબલો ઘણો કપરો રહ્યો હતો જેમાં સમારાએ આખરે 8-11, 11-4, 7-11, 11-6, 11-8થી જીત મેળવી હતી. શ્રીજા ભલે આ મેચ હારી ગઈ હોય પરંતુ ભારત રોમાનિયાથી હજુ 2-1થી આગળ હતું. ત્યાબાદ અર્ચના કામથ બર્નાડેટ સામે કોઈ પડકાર રજૂ કરી શકી ન હતી અને તેને 5-11, 11-8, 7-11, 9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને રોમાનિયા વચ્ચેનો સ્કોર 2-2ની બરાબરી પર પહોંચી ગયો હતો. પાંચમી અને નિર્ણાયક મેચમાં મનિકાએ એડીના ડાયકાનુને 3-0 (11-5, 11-9, 11-9)થી હરાવી હતી.