'પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સંચાલન જોકરના હાથમાં..' PCB પર બરાબરનો ભડક્યો દિગ્ગજ ખેલાડી
Image: Facebook
Yasir Arafat: પાકિસ્તાન ક્રિકેટ ટીમને તાજેતરમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 0-2 શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ કારણે ચાહકો અને પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીઓએ ટીમની આકરી ટીકા કરી.
બંને મેચોમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન એવરેજથી પણ ઓછું રહ્યું, ખાસ કરીને બોલરોની આકરી ટીકા કરવામાં આવી. આ હારના પરિણામસ્વરૂપ, પાકિસ્તાનની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલ માટે ક્વોલિફાય કરવાની શક્યતાઓ ઘણી ઓછી રહી ગઈ છે.
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર યાસિર અરાફાતે તાજેતરના પ્રદર્શન માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને ફટકાર લગાવી છે. અરાફાતે એક વીડિયોમાં કહ્યું, 'તમારા ગ્રે એરિયા હાઈલાઈટ થઈ ગયા છે. ફિટનેસનો ઈશ્યૂ છે, ટેક્નિકલ ઈશ્યૂ છે અને પિચના ઈશ્યૂ છે.' અરાફાતે વધુમાં જણાવ્યું, 'મે સાંભળ્યુ છે કે જેસન ગિલેસ્પી અને હાઈ-પરફોર્મન્સ કોચ ઓસ્ટ્રેલિયા પાછા જઈ રહ્યો છે. તમે એક વનડે ટુર્નામેન્ટ કરાવી રહ્યાં છો, આ નિર્ણય મને ખબર પડતી નથી.'
અરાફાત આટલેથી રોકાયો નહીં અને તેણે કહ્યું, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક સર્કસ છે, જેમાં જોકર છે. તમારી પાસે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ સિરીઝ આવી રહી છે અને તમે વનડે માટે ખેલાડીઓને લાવી રહ્યાં છો. શાન મસૂદ પ્રેસ કોન્ફરન્સમાં કહી રહ્યાં છે કે અમારા ખેલાડીઓએ 1.5 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી નથી. ટેસ્ટ સિરીઝથી પહેલા તમે વનડે રમી રહ્યાં છો. આ મને એક સર્કસ જેવું લાગે છે.
પાકિસ્તાને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડની મેજબાની કરવાની છે, જેની પહેલી ટેસ્ટ મુલ્તાનમાં 7 ઓક્ટોબરે રમાશે. બીજી ટેસ્ટ 15થી 19 ઓક્ટોબર સુધી કરાચીમાં થશે જ્યારે ત્રીજી અને અંતિમ ટેસ્ટ 24 ઓક્ટોબરથી રાવલપિંડીમાં શરૂ થશે.