'મને ધોની ભાઇએ બનાવ્યો મેચ ફિનિશર' યુવા બેટરે કર્યા ખુલાસા
નવી મુંબઇ,તા.12 જાન્યુઆરી 2024, શુક્રવાર
રિંકુ સિંહે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે, કેવી રીતે તેણે અંતિમ ક્ષણોમાં પોતાને શાંત રાખવાની સલાહ આપી હતી.
ધોનીની નિવૃત્તિ બાદ ભારતીય ટીમને લાંબા સમયથી તેના જેવા ફિનિશરની જરૂર હતી. હાલમાં તે જરૂરિયાત પુરી થતી જોવા મળી રહી છે. યુવા બેટ્સમેન મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહ સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ખાસ વાત એ છે કે, તે મેચ જીતીને પેવેલિયન પરત ફરી રહ્યો છે. કેપ્ટન અને કોચ તેમજ પ્રશંસકો રિંકુની આ જવાબદાર ઇનિંગથી ખૂબ જ ખુશ છે અને તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાઈ હતી. આ મેચમાં છઠ્ઠા સ્થાને બેટિંગ કરી રહેલા યુવા બેટ્સમેને નવ બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન, તે 177.77ની સ્ટ્રાઈક રેટથી 16 અણનમ રને બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી બે ચોગ્ગા આવ્યા અને તે મેચ જીતીને જ પેવેલિયન પરત ફર્યો હતો.
26 વર્ષીય મિડલ ઓર્ડર બેટ્સમેને મેચ બાદ કહ્યું કે, મેં ધોની ભૈયા પાસેથી ઘણું શીખ્યું છે. હું તેની પાસેથી આ ગુણ શીખ્યો છું કે જ્યારે તમે મેચ ખતમ કરવાની સ્થિતિમાં હોવ ત્યારે તમારી જાતને શાંત રાખો. મેં મારા જીવનમાં તેમની પાસેથી ઘણું શીખ્યું છે.