Asia Cup 2023 Final: ભારત સામેની ફાઈનલ પહેલા શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ઈજાના કારણે આ દિગ્ગજ સ્પિનર થયો બહાર
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે કોલંબોમાં એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે
પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી
Image:Twitter |
એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપની ફાઈનલ રમાનાર છે પરંતુ તે પહેલા શ્રીલંકાની મુશ્કેલીઓ વધી ગઈ છે. શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મહિષ તીક્ષના ભારત સામે ફાઈનલ નહી રમી શકે. તીક્ષનાને ઈજાના કારણે બહાર થવું પડ્યું છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચ દરમિયાન તીક્ષના ઈજાગ્રસ્ત થયો હતો. હવે આ ઈજાના કારણે તે ફાઈનલમાં નહી રમી શકે.
ફાઈનલમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કર
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે કોલંબોમાં એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ખિતાબી મુકાબલો ભારતીય સમયાનુસાર બપોરે 3:00 વાગ્યે શરુ થશે. દાસુન શાનાકાની કેપ્ટનશીપમાં શ્રીલંકન ટીમે સુપર-4માં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યું હતું. જો કે ભારત સામે શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી રીતે શ્રીલંકાની ટીમે 4 પોઈન્ટ્સ સાથે ફાઈનલમાં જગ્યા મેળવી હતી. હવે ફરી એકવાર બંને ટીમો ફાઈનલમાં એકબીજા સાથે ટકરાશે.
ભારત ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ
રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. ભારતે સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાના અને શ્રીલંકાને હરાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ સામે ગઈકાલે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારત પહેલા જ ફાઈનલ માટે ક્વાલિફાય કરી ચુક્યું હતું. જો કે ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી.