મને એવી ટીમ જોઈએ જ્યાં સ્વતંત્રતા મળે, માહોલ સારો હોય: LSG છોડ્યા બાદ K L રાહુલે તોડ્યું મૌન
Lucknow Super Giants, K L Rahul : ભારતીય ક્રિકેટ ટીમનો બેટર કેએલ રાહુલ IPLમાં છેલ્લી 3 સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ(LSG) તરફથી રમી રહ્યો હતો. તેણે આવતા વર્ષની ટુર્નામેન્ટની મેગા ઓક્શન પહેલા ટીમ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે તે 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાનારા મેગા ઓક્શનમાં ભાગ લેશે. LSGના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદીમાં રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટીમથી અલગ થયા બાદ હવે રાહુલે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.
હું એક નવી શરૂઆત કરવા માંગતો હતો
રાહુલે સંકેત આપ્યો હતો કે નવી ટીમ શોધવાની એ તેની ઈચ્છા છે. અને ભારતીય T20 ટીમમાં પરત ફરવાનું તેનું લક્ષ્ય છે. રાહુલે કહ્યું, 'હું એક નવી શરૂઆત કરવા માંગતો હતો. હું મારા તમામ વિકલ્પો શોધવા માંગતો હતો. હું એવી જગ્યાએ રમવા માંગતો હતો જ્યાં મને થોડી સ્વતંત્રતા મળે અને જ્યાં ટીમનું વાતાવરણ હળવું હોય. ક્યારેક તમારે દૂર જવું પડે છે અને તમારા માટે કંઈક સારું શોધવું પડે છે.
મારું લક્ષ્ય T20 ટીમમાં વાપસી
તેણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું છેલ્લા કેટલાક સમયથી T20 ટીમમાંથી બહાર છું. હું જાણું છું કે એક ખેલાડી તરીકે હું અત્યારે ક્યાં ઊભો છું. મને ખબર છે કે પાછા આવવા માટે મારે શું કરવું પડશે. હું IPLની આ સિઝનની રાહ જોઈ રહ્યો છું. આશા છે કે આ મને તે પ્લેટફોર્મ આપશે જ્યાં હું પાછો જઈ શકું અને મારા ક્રિકેટનો આનંદ માણી શકું. મારું લક્ષ્ય T20 ટીમમાં વાપસી કરવાનું છે.'