SRH સામે શરમજનક હાર બાદ રાહુલ પર જાહેરમાં ભડક્યાં LSGના માલિક! ફેન્સે આપ્યો વળતો જવાબ
Image: Facebook
IPL 2024: લખનૌ સુપરજાયન્ટ્સને બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટની હારનો સામનો કરવો પડ્યો. કેએલ રાહુલના નેતૃત્વવાળી લખનૌ સુપરજાયન્ટ્સની આ સતત બીજી હાર રહી. આ પહેલા તેને કોલકાતા નાઈટરાઈડર્સની સામે 98 રનની હાર મળી હતી. હૈદરાબાદ સામે લખનૌની હાર વધુ શરમજનક રહી, જેણે 165 રનનું લક્ષ્ય માત્ર 9.4 ઓવરમાં પ્રાપ્ત કર્યું.
મેચ બાદ લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકા ચર્ચાનું કેન્દ્ર બન્યા. એક વીડિયો સામે આવ્યો જેમાં સંજીવ ગોયંકા કેપ્ટન કેએલ રાહુલની સામે ગુસ્સામાં કંઈક કહેતા નજર આવી રહ્યા છે. ગોયંકાના હાવભાવથી લાગી રહ્યુ છે કે મેચ હાર્યા બાદ તે કેપ્ટન કેએલ રાહુલ પર રોષ ઠાલવી રહ્યા છે. કેએલ રાહુલ શાંત રહીને આખી વાત સાંભળતો નજર આવ્યો.
ગોયંકા ટ્રોલ થયા
કેએલ રાહુલની સામે ગોયંકા પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે વચ્ચે કોચ જસ્ટિન લેંગર આવી ગયા. લેંગરના આવ્યા બાદ પણ સંજીવ ગોયંકાનો ગુસ્સો શાંત થયો નહીં અને તેમણે કોચની સામે પણ પોતાની વાત કહેવાનું ચાલુ રાખ્યુ. કેએલ રાહુલ આ દરમિયાન થોડો અસહજ નજર આવ્યો અને તે ત્યાંથી જતો રહ્યો. ગોયંકાને સોશિયલ મીડિયા પર યૂઝર્સની કમેન્ટનો સામનો કરવો પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે કોઈ માલિકને આ રીતે ખેલાડીઓ સાથે વાતચીત કરવી જોઈએ નહીં કેમ કે ત્યાં ઘણા કેમેરા લાગેલા છે. એક યુઝરે વીડિયો શેર કરીને કમેન્ટ કરી, ગોયંકાનું આ શરમજનક વર્તન. બીસીસીઆઈ દ્વારા આઈપીએલથી તેમને બેન કરી દેવા જોઈએ. તે કેએલ રાહુલ કે એમએસડી જેવા કેપ્ટનને મેળવવાના હકદાર નથી.
લખનૌ સુપરજાયન્ટ્સની સ્થિતિ
લખનૌની ટીમ બુધવારે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવી શકી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર્સે 250થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને માત્ર 58 બોલમાં મેચ ખતમ કરી દીધી. લખનૌ સુપરજાયન્ટ્સ માટે પ્લેઓફનો માર્ગ મુશ્કેલ થતો જઈ રહ્યો છે. તેણે પોતાની આગામી બંને મેચ જીતવી પડશે અને ભાગ્ય પર પણ નિર્ભર રહેવુ પડશે. સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફની રેસથી બહાર કરી દીધી છે.