આ બેટ્સમેને તો હદ કરી નાંખી, ગુસ્સો તો જુઓ... આઉટ થયા પછી કર્યું શરમજનક કૃત્ય

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
આ બેટ્સમેને તો હદ કરી નાંખી, ગુસ્સો તો જુઓ... આઉટ થયા પછી કર્યું શરમજનક કૃત્ય 1 - image
Image Twitter 

ક્રિકેટ જેન્ટલમેન ગેમ ગણાય છે, પણ છેલ્લા ઘણાં સમયથી મેદાન પર જ ક્રિકેટરો શરમજનક કૃત્યો કરે છે. એમાં આ ઘટનાથી વધુ એક ઉમેરો થયો છે.  વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન કાર્લોસ બ્રેથવેટ લાંબી સિક્સર મારવા માટે જાણીતો છે. T20 વર્લ્ડ કપ 2016ની ફાઇનલ મેચની છેલ્લી ઓવરમાં સતત 4 સિક્સર ફટકારીને કાર્લોસે જ વેસ્ટ ઇન્ડિઝને ચેમ્પિયન બનાવ્યું હતું. તાજેતરમાં તે પોતાની રમતને કારણે નહીં પરંતુ તેના ગુસ્સાને કારણે હેડલાઇન્સમાં ચમક્યો છે. એક મેચમાં તે મિજાજ ગુમાવી બેઠો હતો અને ગુસ્સામાં આવીને તેણે કંઈક એવું શરમજનક ઇકૃત્ય કર્યું હતું જે જોઈને ક્રિકેટપ્રેમીઓ ચોંકી ઉઠ્યા છે. 


શું બન્યું ક્રિકેટના મેદાનમાં? 

કાર્લોસ બ્રેથવેટ હાલમાં મેક્સ-60 કેરેબિયન લીગમાં ‘ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સ’ ટીમ તરફથી રમી રહ્યો છે. લીગની એક મેચ દરમિયાન કાર્લોસ વિવાદાસ્પદ રીતે આઉટ થયો હતો. એ પછી તે ભારે ગુસ્સામાં પેવેલિયન તરફ પરત ફર્યો હતો. ગુસ્સાની ચરમસીમામાં તેણે પોતાનું હેલ્મેટ ઉતારીને એને હવામાં ઉછાળ્યું હતું અને પછી એને પોતાના બેટથી બોલની જેમ જોરથી ફટકાર્યું હતું. હેલ્મેટ જઈને દૂર પડ્યું હતું. એટલું કર્યા પછી પણ એનો ગુસ્સો ઓછો થયો નહીં. સાથી ખેલાડીઓ નજીક જઈને એણે પોતાનું બેટ જોરથી ફેંકી દીધું હતું. એના આવા અસભ્ય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ કારણે કાર્લોસે પિત્તો ગુમાવ્યો 

આ મેચમાં ફાસ્ટ બોલર જોશ લિટલે શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો. બોલ કાર્લોસના ખભા પર અથડાયા બાદ સ્ટમ્પની પાછળ વિકેટકીપર બેન ડંક પાસે ગયો જેણે એને આસાનીથી ઝડપી લીધો હતો. અમ્પાયરને લાગ્યું કે બોલ કાર્લોસના ગ્લવ્ઝમાં વાગીને ગયો હતો એટલે કેચ આઉટ સમજીને તેણે કાર્લોસને આઉટ જાહેર કર્યો હતો. અમ્પાયરના નિર્ણયથી નાખુશ કાર્લોસ પોતાનો પિત્તો ગુમાવી બેઠો હતો. આમ, ખોટી રીતે આઉટ અપાતાં તે ગુસ્સામાં ખેલભાવનાને ઠેસ પહોંચાડે એવું શરમજનક વર્તન કરી બેઠો હતો.

કાર્લોસ ‘આઉટ’ પણ ટીમ ‘ઇન’ 

કાર્લોસ બ્રેથવેટ આ મેચમાં 5 બોલમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો. તેને ખોટી રીતે આઉટ અપાયો હોવા છતાં તેની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. મેચમાં કાર્લોસની ટીમ ‘ન્યૂયોર્ક સ્ટ્રાઇકર્સ’એ પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા. જ્યારે લક્ષ્યનો પીછો કરતાં ‘ગ્રાન્ડ કેમેન જગુઆર’ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 96 રન બનાવી શકી હતી. આ જીત સાથે કાર્લોસની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ હતી.


Google NewsGoogle News