IND vs SL: જેને ટીમ ઈન્ડિયામાંથી પડતો મૂક્યો હતો એ જ ખેલાડી કરી શકે છે વાપસી, વિકેટકીપર બનશે કેપ્ટન

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
shreyas iyer lokesh rahul


ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ ભારતીય વન-ડે અને ટી-20 ટીમમાં એન્ટ્રી મેળવવા માટે ઘણા બેટ્સમેનોએ દાવો કરી દીધો છે. તેઓને ટીમમાં સ્થાન આપવાને લઈને પસંદગીકારોને ઘણી તકલીફ પડશે એ નિશ્ચિત છે. એવામાં બે સિનિયર ખેલાડીઓ ટીમમાં વાપસી પણ નક્કી જ માનવામાં આવી રહી છે. આ બે ખેલાડીઓ છે લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર.

વન-ડે વર્લ્ડકપમાં હતા બેટિંગ લાઇન અપની કરોડરજ્જુ

લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરઅગાઉ વન-ડે વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચેલી ટીમ ઈન્ડિયાના સભ્ય રહી ચૂક્યા છે. જો કે ત્યાર બાદ BCCIએ શિસ્તના કારણોસર તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. બીજી તરફ લોકેશ રાહુલને ધીમા સ્ટ્રાઈક રેટના કારણે T20 વર્લ્ડકપની ટીમમાં નહોતો સામેલ કરવામાં આવ્યો. હવે આ બંને ખેલાડીઓ વન-ડે ટીમમાં એન્ટ્રી કરે તેવી શક્યતા સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી રહી છે.

કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ શ્રેણી છે. તેની સામે તેના કાર્યકાળમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર પછી જુનિયર ખેલાડીઓ સાથે આગામી T20 વર્લ્ડકપની ટીમ તૈયાર કરવાનું દબાણ છે. અગાઉના કોચ-કેપ્ટન સાથે કોઈ ખેલાડીનું સમીકરણ બેસતું ન હોય અથવા તેમના કહેવાથી ડ્રોપ કરવામાં આવ્યો હોય તો એ ખેલાડીને પણ હવે ફરીથી પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી શકે છે.

લોકેશ રાહુલ બની શકે છે કેપ્ટન

જો કેપ્ટન રોહિત શર્મા આ શ્રેણીમાં ન રમે તો વન-ડે ક્રિકેટમાં લોકેશ રાહુલને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલમાં તેણે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. રાહુલને અગાઉ પણ ભારતની આગેવાની કરવાની તક મળી છે જેમાં તેણે નિરાશ નથી કર્યા. 

મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહ પણ દાવેદાર

ભારતની નિયમિત ટીમમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, શિવમ દુબે, અભિષેક શર્મા જેવા ખેલાડીઓને પણ તક મળે તેવી શક્યતા છે. પરંતુ મોટે ભાગે ટીમ સિનિયર ખેલાડીઓને પહેલા તક આપે તેવી શક્યતા વધારે હોય છે. 


Google NewsGoogle News