ભારતે જીતી T20 વર્લ્ડકપની ટ્રોફી: ફાઇનલમાં જોરદાર રસાકસી બાદ ઐતિહાસિક વિજય
India vs South Africa T20 WC 2024 Final: ICC ટી 20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. એક સમયે મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી. પરંતુ ભારતના બોલર્સે હારેલી મેચ જીતાડી. હાર્દિક પંડ્યા અને બુમરાહની ઓવરનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. ખાસ કરીને સૂર્યકુમાર યાદવે લીધેલ ખાસ કેચ તો હંમેશા માટે યાદગાર બની રહેશે.
સ્કોરકાર્ડ:
સૂર્ય કુમારનો શાનદાર કેચ
ભારતે રનનો પહાડ ઊભો કર્યો પણ સાઉથ આફ્રિકાએ પણ કરી સારી બેટિંગ
વિરાટ કોહલી અને અક્ષર પટેલની ધુંઆધાર બેટિંગના કારણે ભારતે સાઉથ આફ્રિકા સામે વિરાટ સ્કોર ઊભો કર્યો હતો. સાત વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયાએ 176 રન બનાવ્યા હતા. જોકે દક્ષિણ આફ્રિકાએ પણ જોરદાર બેટિંગ કરતાં મેચમાં રસાકસી જામી હતી.
બોલિંગમાં ભારતની સારી શરૂઆત થઈ હતી
વિકેટો ગુમાવવા છતાં ભારતે 176 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ સ્કોરનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે બીજી જ ઓવરમાં બુમરાહે વિકેટ ખેરવી હતી. બુમરાહ બાદ અર્શદીપ સિંહે પણ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડેન માર્કરમ માત્ર ચાર રન બનાવીને પવેલિયનભેગો થયો. ફાઇનલ મેચમાં ધુંઆધાર બેટિંગ કરનાર અક્ષર પટેલે બોલિંગમાં પણ સારી શરૂઆત કરી છે. અક્ષરની બોલ પર ટ્રસ્ટન સ્ટબ્સ 31 રન બનાવીને બોલ્ડ થયો હતો. જોકે બાદમાં અક્ષર પટેલની જ ઓવરમાં ક્લાસેને તાબડતોબ રન ફટકાર્યા હતા.
ડિકૉકે પણ કરી સારી બેટિંગ
દક્ષિણ આફ્રિકાની શરૂઆતમાં બે વિકેટ પડ્યા હતા ક્વિન્ટન ડિકૉકે ઈનિંગ સંભાળી હતી. ડિકૉકે ઘણી બાઉન્ડ્રી પણ ફટકારી જેના કારણે મેચમાં રસાકસી જામી હતી. જોકે અર્શદીપ સિંહને ડિકૉકની વિકેટ લેવામાં સફળતા મળતા ભારતનું પ્રેશર થોડું ઓછું થયું હતું. ક્વિન્ટન ડિકૉક 31 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો.
ક્લાસેને લગાવી ક્લાસ
બોલિંગમાં ભારતની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી. દક્ષિણ આફ્રિકાની એક બાદ એક બે વિકેટો ખેરવી લીધી હતી. પરંતુ પહેલા ક્વિન્ટન ડિકૉક અને પછી ક્લાસેને ખૂબ જ શાનદાર બેટિંગ કરતાં ભારતીય બોલર્સનો પરસેવો છોડાવી દીધો હતો. ક્લાસેને અક્ષર પટેલની એક જ ઓવરમાં 24 રન ફટકારતાં આખી મેચ પલટી નાંખી હતી. જોકે બાદમાં હાર્દિક પંડ્યાને ક્લાસેનની વિકેટ લેવામાં સફળતા મળી હતી. ક્લાસેન 27 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો.
એક સમયે લાગ્યું કે ભારતના હાથમાંથી મેચ ગઈ, બુમરાહ અને હાર્દિકની શાનદાર બોલિંગ
નોંધનીય છે કે ક્લાસેન જ્યારે એક બાદ એક સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે એક સમયે લાગી રહ્યું હતું કે મેચ હવે ભારતના હાથમાંથી જતી રહી છે. એક સમય એવો હતો જ્યારે દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં માત્ર 30 જ રનની જરૂર હતી. પરંતુ બાદમાં હાર્દિક પંડ્યાએ ક્લાસેન જ્યારે બુમરાહે માર્કૉ યાનસેનની વિકેટ ખેરવી હતી. જે બાદ જીત તરફ આગળ વધી રહેલ દક્ષિણ આફ્રિકા પર પ્રેશર વધી ગયું હતું.
ફાઇનલ મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગ
ટી 20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટની લગભગ તમામ મેચમાં વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું. કોહલીના ફૉર્મ પર અનેક લોકો સવાલ કરી રહ્યા હતા પરંતુ ટીમ તથા કેપ્ટન અને કોચને કોહલી પર ભરોસો હતો. કોહલીએ આજે સાબિત કરી બતાવ્યું કે જ્યારે ટીમ પ્રેશરમાં હોય ત્યારે ક્રિકેટનો કિંગ બનીને એકમાત્ર ખેલાડી ઉભરે છે, નામ છે વિરાટ કોહલી.
શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ સારી બોલિંગ કરી હતી. જેના કારણે રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ ઓછા રનમાં આઉટ થઈ ગયા હતા. ત્રણ વિકેટ બાદ ટીમ ઈન્ડિયા પ્રેશરમાં આવી ગઈ હતી. જોકે વિરાટ કોહલીએ બાદમાં મોરચો સંભાળ્યો અને અક્ષર પટેલ સાથે સારી પાર્ટનરશીપ કરી. વિરાટે શરૂઆતમાં ધીમી બેટિંગ કરી હતી પરંતુ 50 રન પૂર્ણ થયા બાદ અચાનક જ ધુંઆધાર બેટિંગની શરૂઆત કરી હતી.
કુલ છ ચોગ્ગા તથા બે છગ્ગા સાથે વિરાટ કોહલીએ 59 બોલમાં 76 ફટકાર્યા હતા.
અક્ષર પટેલ અડધી સદીથી ચૂક્યો
સેમિ ફાઇનલ મેચમાં ત્રણ વિકેટ ખેરવીને જોરદાર પ્રદર્શન કરનાર અક્ષર પટેલે ફાઇનલ મેચમાં પણ સારું યોગદાન આપ્યું હતું. ત્રણ વિકેટ પડ્યા બાદ ટીમ ખરાબ સમયમાં હતી ત્યારે અક્ષર પટેલે ચાર છગ્ગા ફટકાર્યા. અક્ષર પટેલે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા.
કેપ્ટન સહિત ભારતના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો
ફાઇનલ મેચમાં રોહિત શર્મા સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. કેપ્ટન રોહિત પાંચ બોલમાં નવ રન બનાવીને આઉટ થયો. રોહિત શર્માની વિકેટ બાદ ભારતને બીજો મોટો ઝટકો ઋષભ પંતના રૂપમાં લાગ્યો હતો. ઋષભ પંત ખાતું ખોલ્યા વગર જ પવેલીયન પરત ફર્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆતની ત્રણેય વિકેટ કેચ આઉટના લીધે પડી હતી. સૂર્યકુમાર યાદવ માત્ર ચાર બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.
બંને ટીમોની પ્લેઈંગ 11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ
દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રિજા હેન્ડ્રિક્સ, એડેન માર્કરામ (કેપ્ટન), ટ્રસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો યાનસેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નોર્ટજે, તબરેજ શમ્સી