બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના એકમાત્ર હિન્દુ ખેલાડીને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પડતો મૂકાયો, જુઓ શું કહ્યું
Litton Das dropped from Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બાંગ્લાદેશે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ તેમાં એક સ્ટાર ખેલાડીનું નામ સામેલ નથી. આ આશ્ચર્યજનક છે કારણ કે લિટન દાસ જેવા અનુભવી અને પ્રતિભાશાળી ખેલાડીને ચેમ્પિયન્સ ટ્રોફી જેવા મોટી ટુર્નામેન્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આ પછી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ચાલી રહેલા અત્યાચાર વચ્ચે લિટન દાસને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. હવે લિટન દાસે પોતે આ બાબતે આગળ આવીને ટીમમાંથી બહાર થવાનું કારણ જણાવ્યું છે.
શું કહ્યું લિટન દાસે?
લિટન દાસે કહ્યું હતું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદગી મારા હાથમાં નહોતી. આ નિર્ણય પસંદગીકારોએ લીધો હતો. કોણ રમશે તે તેમનો નિર્ણય છે. મારું કામ ફક્ત પ્રદર્શન કરવાનું છે અને હું તે કરવામાં સફળ રહ્યો નથી. હું આ નિર્ણયથી થોડો નિરાશ થયો હતો. મેં કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી પણ તે સમય પૂરો થઈ ગયો. હવે હું ફરીથી શૂન્યથી શરૂઆત કરીશ અને સખત મહેનત કરીશ. પછી જોઈએ આગળ શું થાય છે. મારી પાસે એક સ્પષ્ટ સંદેશ છે. કદાચ પસંદગીકારોએ કંઈ કહ્યું ન હોય પણ આ જ કારણ છે કે મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. મેં સારું પ્રદર્શન ન કર્યું તેથી મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને આમાં છુપાવવા જેવું કંઈ નથી.'
લિટન દાસનું સતત ખરાબ પ્રદર્શન
ઘણાં લાંબા સમયથી લિટન દાસ પોતાના પ્રદર્શનમાં સુધારો કરી શક્યો નથી. તેણે છેલ્લી અડધી સદી ઓક્ટોબર 2023 માં આવી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, 'જો હું સારું પ્રદર્શન કરીશ તો મને ચાહકોનો ટેકો મળશે પરંતુ ખરાબ પ્રદર્શન દરમિયાન નકારાત્મક વાતાવરણ પણ બનશે. હું સારું કરી રહ્યો ન હતો અને મને ખબર હતી કે મારે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.'
લિટન દાસ છેલ્લા સાત વનડેમાં સિંગલ ડિજિટથી વધુ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો છે. આ પછી તેની ટીમમાં પસંદગી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં પસંદ કર્યો ન હતો. ભલે તેણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં સદી ફટકારી હોય, પણ ત્યાં પણ શરૂઆતના તબક્કામાં તેનું બેટ શાંત રહ્યું હતું.