Legends League : દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લીજેન્ડ્સ લીગની અનોખી પહેલ, ટ્રોફીને 17 રાજ્યોમાં લઇ જવાશે
લીજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝન 18 નવેમ્બરથી શરુ થનાર છે
Image:Twitter |
Legends League Cricket Trophy Tour : લીજેન્ડ્સ લીગ ક્રિકેટે ભારતીય રેલવેના સહયોગથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટ્રોફીને 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લઈ જવાના રાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરી હતી. આ અભિયાનની શરૂઆત આજે વનડે ભારત એક્સપ્રેસ સાથે કરવામાં આવશે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સાથે ક્રિકેટ ચાહકો વનડે ભારત એક્સપ્રેસના માધ્યમથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનશે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝન 18 નવેમ્બરથી શરુ થશે.
દેશભરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની આ અવિશ્વસનીય યાત્રા - અશ્વિની વૈષ્ણવ
રેલમંત્રી અશ્વિની વૈષ્ણવએ આ અંગે કહ્યું હતું કે, 'અમે વનડે ભારતમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટ અને દિગ્ગજ ખેલાડીઓનું સ્વાગત કરીએ છીએ. અમે દેશભરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની આ અવિશ્વસનીય યાત્રાની રાહ જોઈ રહ્યા છીએ.' લીજેન્ડ્સ લીગ ક્રિકેટના કમિશનર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, 'ભારતીય રેલ્વે સાથે ભાગીદારી કરીને રમતગમતના પ્રચારમાં યોગદાન આપવા બદલ અમને ગર્વ છે. લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમત દિવસેને દિવસે મોટી થઈ રહી છે. લીજેન્ડ્સ આ સિઝનમાં ધમાલ મચાવશે.'
આ ક્રિકેટ લીજેન્ડ્સ જોડાશે અભિયાનમાં
ક્રિકેટ જગતના દિગ્ગજ ક્રિસ ગેલ, એસ. શ્રીસંત અને શેન વોટસન જેવા ખેલાડીઓ લીજેન્ડ્સ લીગ ક્રિકેટ ટ્રોફી સાથે વનડે ભારત એક્સપ્રેસમાં દેશવ્યાપી પ્રવાસ શરૂ કરશે. આ ઉપરાંત ગૌતમ ગંભીર, સુરેશ રૈના, ઈરફાન પઠાન, કેવિન પીટરસન, પાર્થિવ પટેલ, પ્રવીણ કુમાર, ઝુલન ગોસ્વામી જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ આ અનોખા અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટ્સને કહ્યું હતું કે, 'રમતની ભાવનાને આટલી ખાસ રીતે પ્રોત્સાહિત કરવાનો વિચાર ખુબ અદ્ભુત છે. હું આવી પહેલનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને મારા ફેન્સ સાથે મારી સ્ટોરીઝ શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી.' ક્રિસ ગેલે કહ્યું હતું કે, 'લીજેન્ડ્સ લીગ ક્રિકેટનો એક ભાગ હોવાને કારણે વંદે ભારત સાથે લીગનો અવિશ્વસનીય સહયોગ જોવો મારા માટે રોમાંચક છે. હું એવી સફરની રાહ જોઈ રહ્યો છું જે આગામી સિઝન માટે અમને ઉત્સાહથી ભરી દેશે.'