યુનિક રેકોર્ડ: 10 વર્ષની કારકિર્દી અને 100થી વધુ મેચ, છતાં આ ઓપનર ક્યારેય ODIમાં '0' રને આઉટ ના થયો
Image: Twitter
ODI Cricket Unique Record: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તમામ એવા રેકોર્ડ છે જેને જાણીને ચાહકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આવા જ એક ક્રિકેટરનો રેકોર્ડ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જે વન ડેના પોતાના આખી કારકિર્દીમાં ક્યારેય 0 પર આઉટ નથી થયો. છે ને રસપ્રદ રેકોર્ડ. બે દેશો માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલો ક્રિકેટર કેપ્લર વેસલ્સના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ એકમાત્ર એવો ક્રિકેટર છે જેને વન ડે ક્રિકેટમાં ક્યારેય કોઈપણ બોલર ઝીરો રને આઉટ કરવામાં સફળ નથી રહ્યો. વળી, કેપ્લર વેસલ્સ મોટા ભાગે ઓપનિંગ જ બેટિંગ કરવા મેદાનમાં ઉતરતો હતો.
તમામ ODI મેચમાં ખોલ્યું ખાતું
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા માટે ઓપનિંગ કરનાર પૂર્વ બેટ્સમેન કેપ્લર વેસલ્સ વન ડે ક્રિકેટમાં એકમાત્ર એવો બેટ્સમેન છે જે ક્યારેય ઝીરો રન પર આઉટ નથી થયો. 1983માં આ દિગ્ગજે ઓસ્ટ્રેલિયા માટે રમતા વન ડે ડેબ્યૂ કર્યું હતું. તેણે ન્યૂઝીલેન્ડ સામે આ મેચ રમી હતી. જોકે બાદમાં તે સાઉથ આફ્રિકા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા લાગ્યો. તેની છેલ્લી વન ડે મેચ પણ સાઉથ આફ્રિકા માટે જ હતી. તે 1994માં પાકિસ્તાન સામે આ મેચ રમ્યો હતો.
10 વર્ષ લાંબુ કરિયર, 100થી વધુ મેચ
કેપ્લર વેસલ્સની વન ડે કારકિર્દી 10 વર્ષ લાંબી રહી છે. તેણે 1983માં ડેબ્યૂ કર્યું અને છેલ્લી મેચ 1994માં રમ્યો હતો. આ દરમિયાન આ ઓપનર બેટ્સમેને 109 મેચ રમી હતી. આ મેચોમાં તે 105 વખત બેટિંગ કરવા આવ્યો અને દરેક વખતે ખાતું ખોલવામાં સફળ પણ રહ્યો. વન ડે કારકિર્દીમાં તેણે એક સદી અને 26 અર્ધ સદી ફટકારીને કુલ 3367 રન બનાવ્યા હતા, જેમાં તેનો બેસ્ટ સ્કોર 107 રન રહ્યો હતો. કેપ્લર બે દેશો માટે ટેસ્ટ અને વન ડે ક્રિકેટ રમનાર પસંદગીના ક્રિકેટર્સમાં સામેલ છે.
આવી રહી ટેસ્ટ કારકિર્દી
કેપ્લર વેસલ્સનું ટેસ્ટ કારકિર્દી વધારે લાંબી નથી રહી. તેણે 40 મેચ રમી અને 2788 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 6 સદી અને 15 અડધી સદી પણ ફટકારી હતી. તેનો આ ફોર્મેટમાં બેસ્ટ સ્કોર 119 રન રહ્યો હતો જે તેણે પાકિસ્તાન સામે 1983માં રમાયેલી ટેસ્ટમાં બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ઓપનરે બેટ્સમેને પોતાના ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરતા તેણે 162 રનની મેરેથોન ઈનિંગ રમી હતી.