ICC Rankings : સતત બેવડી સદીથી યશસ્વી જયસ્વાલને થયો મોટો ફાયદો, ટોપ 5માં 3 ભારતીય
ICC Rankings : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે વિરોધી ટીમ વિરૂદ્ધ સતત બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી છે. તેનો હવે તેમને મોટો ફાયદો મળ્યો છે. ICCએ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે. જેમાં યશસ્વી જયસ્વાલે લાંબી છલાંગ લગાવીને 15મું સ્થાન મેળવી લીધું. ત્યારે, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને પણ મોટો ફાયદો થયો છે. આ સિવાય ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેતને પણ લાભ મળ્યો છે.
યશસ્વી જયસ્વાલે લગાવી મોટી છલાંગ
ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધમાલ મચાવી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં સતત બીજી સદી ફટકારનારા જયસ્વાલે 14 પોઈન્ટની છલાંગ લગાવી છે. હવે તેઓ 15માં સ્થાને પહોંચી ગયા છે. તેમના ખાતામાં 699 પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ યુવા બેટ્સમેને અત્યાર સુધી 545 રન બનાવ્યા છે. તેઓ ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે. જયસ્વાલ સિવાય રોહિત શર્મા 732 પોઈન્ટ સાથે 12માં સ્થાને પહોંચી ગયા છે. ત્યારે, સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 41 થી 34માં સ્થાને પહોંચી ગયા છે.
જાડેજા અને અશ્વિનને ફાયદો
રાજકોટ ટેસ્ટમાં જાડેજાએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમણે બોલ અને બેટથી વિરોધી ખેલાડીઓને ધૂળ ચટાવી હતી. પહેલી ઈનિંગમાં ચેન્નઈના આ ખેલાડીએ 112 રન બનાવ્યા હતા. તેનો ફાયદો તેમને હવે ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં થયો છે. તેઓ 595 રેટિંગ પોઈન્ટની સાથે 34માં સ્થાને પહોંચી ગયા છે. આ સિવાય 7 વિકેટ હોલ લઈને તેઓ બોલિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ત્યારે, અશ્વિને બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. તો સરફરાજ ખાન અને ધ્રુવ જુરેલ તબક્કાવાર 75માં અને 100માં સ્થાને પહોંચી ગયા છે.
ટોપ 10માં વિરાટ કોહલી યથાવત્
ICCની લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં કેન વિલિયમસન ટોપમાં યથાવત્ છે. ભારત vs ઈંગ્લેન્ડ સીરીઝનો ભાગ ન હોવા છતા વિરાટ કોહલી ટોપ 10માં સામેલ છે. 752 રેટિંગ પોઈન્ટ્સની સાથે તેઓ 7માં સ્થાને છે. ભારત વિરૂદ્ધ જોરદાર સદી ફટાકરનારા બેટ્સમેન બેન ડકેતને પણ ICCની ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેઓ 719 પોઈન્ટ સાથે 13માં સ્થાને પહોંચી ગયા છે. તેમણે 12 સ્થાનનો ફાયદો થયો છે.