એક સમયે BCCI પાસે ચેમ્પિયન્સને આપવા પૈસા નહોતા, લતા મંગેશકરે કોન્સર્ટથી ભેગું કર્યું હતું ફંડ
BCCI Struggle Story: દરેક વ્યક્તિ જાણે છે કે, BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. પરંતુ શું તમે જાણો છો કે, એક સમય એવો પણ હતો જ્યારે BCCI પાસે 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમને આપવા માટે પૈસા નહોતા. બીજી તરફ હવે T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમને BCCIએ 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. આટલું મોટું ઈનામ ભાગ્યે જ કોઈ અન્ય દેશના બોર્ડે પોતાની ટીમને આપ્યું હશે.
BCCI પાસે ટીમનું ગ્રાન્ડ વેલકમ કરવાના પણ પૈસા નહોતા
BCCI વર્લ્ડ ક્રિકેટમાં એક મોટી શક્તિ છે પરંતુ પોતાના શરૂઆતના દિવસોમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલને બોર્ડે ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. તમામ પડકારને પાર કરતા જ્યારે કપિલ દેવના નેતૃત્વ વાળી ટીમ ઈન્ડિયાએ 1983માં વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને 43 રનથી હરાવી દીધુ હતું અને ટ્રોફી પર પોતાનો કબજો કર્યો હતો. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા ટ્રોફી લઈને દેશ પરત ફરી તો તે સમયે BCCI પાસે એટલા પૈસા પણ નહોતા કે, તે ટીમનું ગ્રાન્ડ વેલકમ કરી શકે.
લતા મંગેશકરે કોન્સર્ટથી ભેગું કર્યું હતું ફંડ
સ્થિતિ એ હતી કે, 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમને ઈનામ તરીકે ભેટ આપવા માટે BCCIને ફંડ ભેગું કરવા માટે મજબૂર થવું પડ્યું હતું.તે સમયે BCCIની મદદ મહાન સિંગર લતા મંગેશકરે કરી હતી. તેમણે મ્યૂઝિક કોન્સર્ટ કરીને ટીમ ઈન્ડિયા માટે ફંડ ભેગું કર્યું હતું અને આ ફંડ દ્વારા દરેક ખેલાડીને એક-એક લાખ રૂપિયા મળ્યા હતા.
જોકે, અહીંથી BCCIની સ્થિતિ બદલાતી ગઈ અને ધીમે-ધીમે BCCIએ વર્લ્ડ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું. એવા ઘણા જૂના કિસ્સા છે પરંતુ અમે એ વર્લ્ડ અંગે જ વાત કરીશું જેમાં ભારતે ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
T20 ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ 2007માં રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ફાઈનલ મુકાબલામાં 5 રનથી હરાવીને 24 વર્ષ બાદ કોઈ વર્લ્ડ કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં BCCIએ 10 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી. બોર્ડે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારનાર યુવરાજ સિંહને એક કરોડ રૂપિયા અલગથી આપ્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનસીમાં ટીમ ઈન્ડિયાએ વાનખેડેમાં શ્રીલંકાને ફાઈનલ મુકાબલામાં હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ વનડે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. ધોનીની કેપ્ટનસી હેઠળની ટીમ ઈન્ડિયાને BCCIએ 39 કરોડ રૂપિયા આપ્યા હતા.
BCCIએ T20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું
હવે BCCIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા આ વખતની T20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુરૂવારે BCCIએ ટીમ ઈન્ડિયાને તેનો ચેક સોંપી દીધો હતો. આ એવો રેકોર્ડ છે જે ઈનામ તરીકે આજ સુધી અન્ય કોઈ દેશની ક્રિકેટ બોર્ડે પોતાની વિનિંગ ટીમને નથી આપ્યા.