Get The App

પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં 'લક્ષ્યવેધ', લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં 'લક્ષ્યવેધ', લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો 1 - image


Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં આજની પુરુષોની બેડમિન્ટનમાં મેચમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. 22 વર્ષીય સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે. કારણ કે અગાઉ બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. 

લક્ષ્ય અને જોનાથન અગાઉ 4 વખત આમને સામને ટકરાઈ ચૂક્યા છે જેમાં લક્ષ્ય સેનનો 3 વખત પરાજય થયો હતો. આજે પણ શરુઆતમાં લક્ષ્ય 8-2થી પાછળ હતો પરંતુ ત્યાર બાદ તેણે વાપસી કરતાં પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યાર બાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. લક્ષ્યએ ગ્રૂપ Lમાં ટોપ કર્યું હતું અને હવે નોકઆઉટ એટલે કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.

તો બીજી તરફ શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલ 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગની ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો. ભારતે આ ઇવેન્ટમાં પહેલી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીયોએ અનેક રૅકોર્ડ તોડ્યા છે અને નવી નવી રમતમાં ફાઇનલ સુધીની સફર ખેડી છે. અગાઉ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. તો આ જ શૂટિંગ ઇવેન્ટની મિક્સ્ડ ડબલ્સમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલમાં દક્ષિણ કોરિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  

આ પણ વાંચો: પીવી સિંધુનું બેડમિન્ટનમાં મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું, આસાન જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ

તો બીજી તરફ બેડમિન્ટનમાં ચિરાગ અને સાત્વિકની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે મનિકા બત્રા ટેબલ ટેનિસમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ હતી. આજે પાંચમા દિવસે ભારતની ટેબલ ટેનિસ પ્લેયર શ્રીજા અકુલા પણ રાઉન્ડ ઑફ 32ની મેચ રમવા ઉતરી હતી.


Google NewsGoogle News