આ ખેલાડીએ કોહલી પર ગુસ્સે થઈ હેલ્મેટ ફેંકી હતી, સીરિઝ ખતમ થયા પછી જર્સી માંગી
Virat Kohli And Kusal Mendis : ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી માટે શ્રીલંકા પ્રવાસ ઘણો નિરાશાજનક રહ્યો છે, ત્યારે વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત સતત ત્રણ વનડે ઇનિંગ્સમાં LBW આઉટ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ઈન્ટરનેશનલ મેચ ટાઈ રહી હતી, જ્યારે આ પછી યજમાન ટીમે સતત બે મેચ જીતીને સીરિઝ પર 2-0થી સ્થાન મેળવ્યું હતું. સીરિઝ પૂરી થયા પછી વિરાટ કોહલી પોતાની જર્સી પર સહી કરીને કુસલ મેન્ડિસને આપતા નજરે ચડે છે. શ્રીલંકાના વિકેટ કીપરે વિરાટ પાસેથી જર્સી માંગી હતી ત્યારે વિરાટે આવીને જર્સી પર સહી કરી અને ફરીથી મેન્ડિસને આપી હતી. 27 વર્ષ બાદ શ્રીલંકાએ ભારત સામે બે પક્ષી વન-ડે આંતરરાષ્ટ્રીય સીરિઝ જીતી છે. આ સીરિઝ દરમિયાન મેદાન પર વિરાટ અને મેન્ડિસ વચ્ચે થોડી ગરમાગરમી જોવા મળી હતી, પરંતુ સીરિઝ પૂરી થતાં જ તેમની વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, સ્પિનરો સામે પત્તાનાં મહેલની જેમ બેટરો ધરાશાયી
LBW સામે રિવ્યૂમાં વિરાટ નોટ આઉટ જાહેર થતાં શ્રીલંકા કોચિંગ સ્ટાફ નારાજ
આ સીરિઝની બીજી મેચમાં વિરાટે 14 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન વિરાટ જ્યારે 13 રન બનાવી રમી રહ્યો હતો ત્યારે તેની LBWની અપીલ થતાં શ્રીલંકાએ રિવ્યૂ માંગ્યો હતો. બીજી તરફ, રિપ્લેમાં સાફ જોવા મળ્યું હતું કે, વિરાટના બેટના કિનારાના ભાગ પર બોલ અડ્યો હતો, પરંતુ તેમ છતાં તેને આઉટ આપવામાં આવ્યો ન હતો. જ્યારે શ્રીલંકા કોચિંગ સ્ટાફ પણ આ જોઈને વધુ નારાજ થયા હોય તેવું જોવા મળ્યું હતું.
વિરાટે 49 સદી ફટકારતા મેન્ડિસે શું કહ્યું?
એ સમયે મેન્ડિસે ગુસ્સે થઈને હેલમેટ ફેંકી દીધું હતું. આ ઉપરાંત, 2023 વર્લ્ડ કપ દરમિયાન વિરાટે 49 વનડે સદી ફટકારી ત્યારે શ્રીલંકા ટીમના કેપ્ટન મેન્ડિસને પૂછવામાં આવ્યું હતું કે, 'તમે વિરાટને શુભકામનાઓ પાઠવવા માંગો છો?'
આ અંગે મેન્ડિસે જણાવ્યું હતું કે, 'હું શા માટે એમને શુભકામના પાઠવું.' જો કે, ત્યાર પછી મેન્ડિસે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'હું પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો ત્યારે મને નહોતી ખબર કે વિરાટે સદી ફટકારી છે, મને એકદમથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોવાથી મને ખબર જ પડી ન હતી. 49 સદી ફટકારવી એ કોઈ આસાન વાત નથી, વિરાટ દુનિયાના બેસ્ટ ક્રિકેટરમાંથી એક છે.'
આ પણ વાંચો : ICCએ અફઘાનિસ્તાનના સ્ટ્રાઇકર બેટ્સમેન પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, શું છે કારણ...