‘તારો 700મો શિકાર...' કુલદીપ યાદવે કોની સામે કરી હતી ભવિષ્યવાણી જે સાચી ઠરી
ભારતે છેલ્લી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું હતું
Image:Twitter |
James Anderson 700th Wicket : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતે ઇંગ્લેન્ડને 4-1થી હરાવી સીરિઝ પોતાના નામે કરી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 700 વિકેટ પણ પૂરી કરી હતી. આ સાથે તે 700 વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો હતો. શ્રીલંકાના પૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરન અને ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ન એન્ડરસન કરતા વધુ વિકેટ લેનાર બોલર છે. મુરલીધરનના ખાતામાં 800 ટેસ્ટ વિકેટ છે જ્યારે વોર્નના ખાતામાં 708 ટેસ્ટ વિકેટ છે. એન્ડરસને તેની 700મી વિકેટ કુલદીપ યાદવના રૂપમાં ઝડપી હતી. આ વિશે વાત કરતા એન્ડરસને કહ્યું હતું કે, “હું જ તારી 700મી વિકેટ બનીશ.”
“હું જ તારી 700મી વિકેટ બનીશ”
એન્ડરસને કહ્યું, “કુલદીપ યાદવે એક રન માટે થર્ડ મેન તરફ શોટ રમ્યો હતો. જ્યારે તે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર આવ્યો અને હું રનઅપ માટે મારા માર્ક પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું કે હું જ તારી 700મી વિકેટ બનીશ. એવું ન હતું કે તે મને કહેતો હતો કે તે આઉટ થવાનો પ્રયાસ કરશે, તેણે ફક્ત એટલું જ કહ્યું કે તેને એવું લાગ્યું અને અમે બંને આ વાત પર હસવા લાગ્યા.”
સાચી સાબિત થઇ કુલદીપની ભવિષ્યવાણી
કુલદીપ યાદવની વાત સાચી થઇ અને જેમ્સ એન્ડરસને તેને પોતાની 700મી વિકેટના રૂપમાં આઉટ કર્યો હતો. છેલ્લી ટેસ્ટ મેચ ભારતીય ટીમે એક ઇનિંગ અને 64 રને જીતી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 218 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 477 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 69 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. તે જેમ્સ એન્ડરસનના બોલ પર બેન ફોક્સના હાથે કેચ આઉટ થયો અને આ રીતે એન્ડરસને તેની 700મી ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.