ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્ટાર બોલરની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે એન્ટ્રી, ફિટ થઈ જતાં પ્રેક્ટિસ શરૂ
Champions Trophy 2025, Kuldeep Yadav : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. જો કે, હજુ સુધી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ ઈજાગ્રસ્ત છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના રમવા અંગે સસ્પેન્સ છે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ટીમનો સ્ટાર સ્પીનર કુલદીપ યાદવ તેની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે. હવે શક્ય છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે.
કુલદીપ યાદવ કરી શકે છે વાપસી
આગામી ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સામેની વનડે સીરિઝ પહેલા તેણે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું છે. ગયા વર્ષે, જ્યારે ભારતીય ટીમ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમી રહી હતી. ત્યારે તે પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારથી તે ભારતીય ટીમથી બહાર છે. આ દરમિયાન હવે કુલદીપ યાદવે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે નેટમાં બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. હવે આશા છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : કોહલીએ જેની વકીલાત કરી હતી એ નિયમ લાગુ કરશે BCCI, ટીમમાં રહેવું હોય તો આટલું કરવું પડશે
વનડેમાં કુલદીપનો રેકોર્ડ
કુલદીપ યાદવે અત્યાર સુધીમાં ભારત માટે 106 વનડે મેચમાં 172 વિકેટ લીધી છે. જેમાં તેની સરેરાશ 26 અને ઇકોનોમી રેટ 4.99 રહી હતી. તેણે અત્યાર સુધીમાં બે વાર વનડેમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફક્ત વનડે ફોર્મેટમાં જ રમાશે. આ પહેલા ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની T20 સીરિઝ રમશે. જેમાં કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો નથી.