100 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં જે ન થયું તેવું કુલદીપે ધર્મશાલામાં કર્યું, આ મામલે પ્રથમ સ્થાને પહોંચ્યો
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
Image:Twitter |
Kuldeep Yadav, IND vs ENG 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ધર્મશાલામાં ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્કોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી બોલિંગ કરતા સ્પિનર કુલદીપ યાદવે એવું કામ કર્યું છે જે 100 વર્ષમાં કોઈએ નથી કર્યું.
ટેસ્ટ કરિયરમાં કુલદીપની 50 વિકેટ
કુલદીપે તેના ટેસ્ટ કરિયરમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. કુલદીપ છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછા બોલ ફેંકીને 50 વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે ભારતીય બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. કુલદીપે 1871 બોલ ફેંકીને 50 વિકેટ પૂરી કરી છે. અત્યાર સુધી કુલદીપે 21 ઇનિંગ્સમાં 51 વિકેટ ઝડપી છે. આ દરમિયાન ટેસ્ટ ઇનિંગ્સમાં 40 રનમાં 5 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. કુલદીપે ટેસ્ટમાં 4 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.
સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરો
ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં કુલદીપ યાદવ 43મા ક્રમે છે. આ મામલે અનિલ કુંબલે ટોપ પર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી છે. જ્યારે બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. અત્યાર સુધી અશ્વિને 100 મેચમાં 509 વિકેટ ઝડપી છે. કપિલ દેવ ત્રીજા નંબર પર છે. તેમણે 131 મેચમાં 434 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડે ટી બ્રેક સુધી 8 વિકેટ ગુમાવી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ટી બ્રેક સુધી 8 વિકેટ ગુમાવીને 194 રન બનાવી લીધા છે. આ દરમિયાન કુલદીપ યાદવે 15 ઓવરમાં 72 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તેણે એક મેડન ઓવર પણ નાખી હતી. કુલદીપે બેન ડકેટ, ઓલી પોપ, જેક ક્રોલી, જોની બેરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સને પેવેલિયન પરત કર્યા હતા.