'કૃષ્ણભક્ત' ગણાતાં દમદાર બેટરે પાકિસ્તાનમાં રચ્યો ઇતિહાસ... 147 વર્ષમાં પહેલીવાર થયું આવું
Litton Das, PAK vs BAN Test: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના પાકિસ્તાન પ્રવાસ પર છે. ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટર લિટન દાસે બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાની બોલરોને હરાવીને એક એવો રેકોર્ડ બનાવ્યો જે ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બન્યો નથી.
બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રાવલપિંડીમાં રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ જીતીને બાંગ્લાદેશે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જ્યારે બીજી મેચમાં પણ પાકિસ્તાનને જોરદાર ટક્કર આપવામાં આવી હતી.
બાંગ્લાદેશની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 274 રન બનાવ્યા હતા. આ પછી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. બાંગ્લાદેશની ટીમે માત્ર 26 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં મુશફિકુર રહીમ (3), શાકિબ અલ હસન (2), ઝાકિર હસન (1), કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (4), મોમિનુલ હક (1) અને શાદમાન ઇસ્લામ (10)નું નબળું પ્રદર્શન રહ્યું હતું.
કૃષ્ણ ભક્ત લિટન દાસની દમદાર સેન્ચુરી
બાંગ્લાદેશી હિન્દુ ક્રિકેટર લિટન દાસ 7મા નંબરે આવીને જોરદાર ઇનિંગ રમી હતી. તેણે મેહદી હસન મિરાજ સાથે મળીને 7મી વિકેટ માટે 165 રનની શાનદાર ભાગીદારી કરી હતી. પોતાને ભગવાન શ્રી કૃષ્ણના સેવક ગણાવનાર લિટને મેચમાં 228 બોલમાં 138 રનની ઇનિંગ રમીને બાંગ્લાદેશની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી હતી.
લિટન દાસે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મેહદી હસન મિરાજે 124 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી. તેણે 1 સિક્સર અને 12 ફોર ફટકારી હતી.
147 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
લિટન દાસે આ સેન્ચુરી સાથે ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટીમનો સ્કોર 50 રનથી ઓછો હતો ત્યારે બેટિંગમાં ટોપ-5 બેટર બાદ આવીને ત્રણ વખત સદી ફટકારનાર પ્રથમ બેટર બન્યો છે. તેના સિવાય 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં અન્ય કોઈ બેટર આવું કરી શક્યો નથી.
રાવલપિંડી ટેસ્ટ પહેલા લિટન દાસે 2021ની ચટગાંવ ટેસ્ટમાં પાકિસ્તાન અને 2022ની મીરપુર ટેસ્ટમાં શ્રીલંકા સામે પણ આવું જ પ્રદર્શન કર્યું હતું. જ્યારે તેણે ચિત્તાગોંગ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે બાંગ્લાદેશે 49ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે મીરપુરમાં બાંગ્લાદેશની અડધી ટીમ 24 રનમાં સમેટાઈ ગઈ હતી ત્યારે લિટન દાસે સદી ફટકારી હતી.
બહુ ઓછા લોકો જાણતા હશે કે લિટન દાસ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે. તે પોતાને શ્રી કૃષ્ણનો સેવક કહે છે. જે તેના સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે.
પાકિસ્તાને 9 રનમાં 2 વિકેટ ગુમાવી હતી
વર્તમાન ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશની ટીમે મેચ પર નિયંત્રણ મેળવી લીધું હતું. તેણે પાકિસ્તાનની ટીમને 9 રનમાં 2 મોટા ઝટકા આપ્યા હતા. પ્રથમ અબ્દુલ્લા શફીક 3 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ખુર્રમ શહઝાદ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને ફાસ્ટ બોલર હસન મહેમૂદનો શિકાર બન્યા હતા.