KKRના સૌથી મોંઘા ખેલાડીના નામની આગળ લાગશે 'ડૉક્ટર', જાણો તેની પાછળનું શું છે કારણ
Image : instagram |
Venkatesh Iyer : IPL 2025ના મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)એ વેંકટેશ અય્યર પર મોટો દાવ લગાવ્યો હતો. KKRએ વેંકટેશને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેંકટેશ ટીમનો નવો કેપ્ટન પણ બની શકે છે. પરંતુ KKR તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ દરમિયાન એક મહત્ત્વની માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં વેંકટેશના નામ આગળ ડોક્ટર લાગી શકે છે. તેણે ફરીથી અભ્યાસ શરૂ કર્યો છે. હકીકતમાં વેંકટેશ પીએચડી કરી રહ્યો છે.
ફાયનાન્સમાં પીએચડી કરી રહ્યો છે વેંકટેશ
વેંકટેશનું માનવું છે કે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને તે જીવનના અંત સુધી ચાલુ રહે છે. તેણે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, 'હું પીએચડી કરી રહ્યો છું. શિક્ષણને કારણે મને મેદાન પર નિર્ણય લેવાનું સરળ રહે છે. હું ઈચ્છું છું કે ક્રિકેટરોને માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ તેની પાસે જ્ઞાન પણ હોય. હું ફાયનાન્સમાં પીએચડી કરી રહ્યો છું.' તેથી ટૂંક સમયમાં તેના નામની આગળ ડોક્ટર લાગી જશે. વેંકટેશ ક્રિકેટની સાથે સાથે અભ્યાસમાં પણ સારો રહ્યો છે અને તેણે ક્રિકેટની સાથે તેને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
મેગા ઓક્શનમાં થયો વેંકટેશને ફાયદો
અગાઉ વેંકટેશ KKRનો ભાગ હતો. અગાઉની સિઝનમાં તેને KKR દ્વારા ઘણી મોટી રકમ આપવામાં આવી હતી. પરંતુ આ વખતના મેગા ઓક્શનમાં તેને ઘણો ફાયદો થયો હતો. KKRની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ તેને ખરીદવા માંગતી હતી. આરસીબીએ 23.50 કરોડ રૂપિયા સુધીની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ આ વખતે પણ KKRએ 23.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરી લીધો હતો.