કોહલી-રોહિત રમશે T20 વર્લ્ડ કપ! 30 ખેલાડીઓ પર રહેશે નજર, IPLમાંથી થશે ટીમની પસંદગી
રોહિત અને કોહલીએ છેલ્લી T20 મેચ વર્ષ 2022માં ઇંગ્લેન્ડ સામે રમી હતી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20Iની શરૂઆત મોહાલીમાં 11 જાન્યુઆરીથી થશે
Image:File Photo |
Virat Kohli-Rohit Sharma Will Play T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 World Cup 2024માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની T20 માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે. આ બંને ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ T20 World Cup 2024નો ભાગ બનવા માંગે છે.
અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝ માટે કોહલી-રોહિતને કરાશે ટીમમાં સામેલ!
હાલ બે પસંદગીકાર શિવ સુંદર દાસ અને સલિલ અંકોલા સાઉથ આફ્રિકામાં છે, જયારે કેપ ટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાનાર બીજી ટેસ્ટ દરમિયાન અધ્યક્ષ અજીત અગરકર પણ તેમની સાથે જોડાશે. રોહિત અને કોહલીએ 10 નવેમ્બર,2022ના રોજ એડીલેડમાં ઇંગ્લેન્ડ સામે T20 World Cupની સેમિફાઈનલ મેચ બાદ ભારત માટે એક પણ T20 મેચ રમી નથી. આવી સ્થિતિમાં એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે અગરકર અફઘાનિસ્તાન સામે રમાનાર T20 સીરિઝ માટે ટીમનું એલાન કરતા પહેલા ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાતચીત કરશે. હવે જોવાનું એ રહે છે કે અગરકર અને અન્ય પસંદગીકારો અફઘાનિસ્તાન સામે મોહાલીમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી T20 સીરિઝ માટે રોહિત અને કોહલી બંનેની પસંદગી કરશે કે પછી IPL દરમિયાન તેમના ફોર્મ અને ફિટનેસના આધારે સીધો જ તેમને ટીમમાં સામેલ કરશે.
IPLમાં લગભગ 30 T20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને મોનિટર કરવામાં આવશે
વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાનાર ICC T20 World Cup 2024 પહેલા IPLમાં લગભગ 30 T20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને મોનિટર કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે IPLના બે મહિના દરમિયાન ઓછામાં ઓછા 25થી 30 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે અને તેમનાં પ્રદર્શનને મોનિટર કરવામાં આવશે. IPL 2024 દરમિયાન ઈજા કે ફિટનેસની સમસ્યા થઇ શકે છે અને પસંદગી સમિતિને પ્રત્યેક સ્લોટ માટે બે ખેલાડીઓની જરૂર પડશે, જેથી લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ તૈયાર થઇ શકે.
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી - સૂત્ર
BCCIના એક સૂત્રે જણાવ્યું કે, ‘સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. IPLના પહેલા મહિનાના પરફોર્મન્સના આધારે ભારતીય ટીમ નક્કી કરવામાં આવશે, અફઘાનિસ્તાન સીરિઝથી વધુ કંઈ નક્કી કરવામાં આવશે નહીં. BCCI ક્યારેય કોઈ ફ્રેન્ચાઈઝીને સ્ટાર ખેલાડીના વર્કલોડ મેનેજમેન્ટને મેનેજ કરવા માટે કહી શકે નહીં, સિવાય કે તે ઈજા સંબંધિત મામલો હોય.'