મેક્સવેલની આ હરકતથી કોહલી થયો ગુસ્સે, ઈન્સ્ટાગ્રામ પર કર્યો બ્લોક, ઓલરાઉન્ડરે કર્યો ખુલાસો
Image: Facebook
Virat Kohli Glenn Maxwell: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભલે અત્યારે સારા મિત્ર હોય પરંતુ તેમના સંબંધમાં કડવાશ પણ રહી ચૂકી છે. બંને આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે રમે છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે કોહલીએ મેક્સવેલને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો હતો. કોહલીને ઓલરાઉન્ડરની એક હરકત પસંદ આવી નહોતી. મેક્સવેલે પોતે આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મેક્સવેલે કોહલીની નકલ કરી હતી
મેક્સવેલે 2017માં ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કોહલીને ખિજવ્યો હતો. ત્યારે કોહલીને રાંચીની ટેસ્ટના પહેલા દિવસે ફીલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા પહોંચી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફીલ્ડિંગ કરવા આવી તો મેક્સવેલે પોતાનો ખભો પકડીને કોહલીની નકલ ઉતારી. તે બાદ કોહલીએ મેક્સવેલને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો. જોકે, કોહલીએ બાદમાં ઓસ્ટ્રેલિયન પાવર-હિટરને આરસીબીમાં સામેલ કરવાનું સમર્થન કર્યું.
વિરાટ કોહલીએ પહેલો મેસેજ કર્યો હતો
ઓલરાઉન્ડરે કહ્યું કે 'જ્યારે મને ખબર પડી કે હું આરસીબીમાં જઈ રહ્યો છું તો વિરાટ મને મેસેજ કરનાર અને ટીમમાં મારું સ્વાગત કરનાર પહેલી વ્યક્તિ હતા. જ્યારે હું પ્રી-આઈપીએલ ટ્રેનિંગ કેપ માટે આવ્યો તો અમે વાતચીત કરી અને સાથે ટ્રેનિંગ કરીને ઘણો સમય પસાર કર્યો. જ્યારે હું તેમને સોશિયલ મીડિયા પર ફોલો કરવા ગયો તો મે આ વિશે વિચાર્યું પણ નહોતું. મારા મગજમાં ક્યારેય આ વાત આવી નહીં. હું તેમને શોધી શકતો નહોતો.'
પછી ખબર પડી કે વિરાટે મને બ્લોક કરી દીધો હતો
મેક્સવેલે કહ્યું કે 'મને વિશ્વાસ હતો કે વિરાટ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર હશે. તેથી મે આ વિશે કંઈ વિચાર્યું નહીં. એવું પણ નથી કે તે ઈન્સ્ટાગ્રામ વિશે જાણતાં નથી. મને ખબર ન પડી કે હું ફોલો કેમ કરી શકતો નથી. પછી કોઈકે કહ્યું કે તેમણે મને બ્લોક કરી દીધો હશે. આ જ એકમાત્ર રીત છે, જેના કારણે તું તેમને શોધી શકતો નથી. મે વિચાર્યું કે આવું હોય નહીં.'
તે ટેસ્ટ મેચ દરમિયાન મારી મજાક ઉડાવી
મેક્સવેલે કહ્યું, 'પછી હું વિરાટની પાસે ગયો અને તેમને પૂછ્યું, શું તમે મને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે? તેમણે કહ્યું, હા કદાચ. આ ત્યારે થયું જ્યારે તે ટેસ્ટ મેચ દરમિયાન મારી મજાક ઉડાવી હતી. ત્યારે મે તને બ્લોક કરવાનો નિર્ણય કર્યો હતો. મે કહ્યું, 'હા આ યોગ્ય છે.' તો પછી તેમણે મને અનબ્લોક કર્યો અને તે બાદ અમે સારા મિત્ર બની ગયા.'