ઈંગ્લેન્ડ સીરિઝમાં નહીં દેખાય KL રાહુલ, માંગ્યો વિરામ: જાણો કોને મળી શકે છે મોકો
KL Rahul : આગામી ઘરઆંગણે રમાનારી ઇંગ્લેન્ડ સામેની સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં મળેલી શરમજનક હાર બાદ બેટર કેએલ રાહુલે પસંદગીકારો પાસેથી વિરામ માંગ્યો છે. બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં રાહુલ એવા થોડા બેટરોમાંનો એક હતો કે જેણે પોતાના બેટથી થોડુંઘણું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં પણ રાહુલનું વનડે ક્રિકેટમાં પ્રદર્શન સારું રહ્યું છે. બેટિંગ સિવાય રાહુલે વિકેટકીપરની ભૂમિકા પણ ખૂબ સારી રીતે ભજવી છે.
પસંદગીકારો પાસેથી રાહુલે વિરામ માંગ્યો
એક અહેવાલ અનુસાર કેએલ રાહુલે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે પસંદગીકારો પાસેથી વિરામ માંગ્યો છે. રાહુલે થાકનું કારણ આપીને આરામ કરવાની વિનંતી કરી છે. જો કે તેણે પસંદગીકારોને જાણ કરી છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'રાહુલે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે વિરામ માંગ્યો છે પરંતુ તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.' ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં રાહુલે પાંચ મેચમાં 30 ની સરેરાશથી કુલ 276 રન બનાવ્યા હતા. જેમાં રાહુલે પહેલી બે ટેસ્ટ મેચમાં સારો દેખાવ કર્યો હતો.
વનડે ફોર્મેટમાં રાહુલનું શાનદાર પ્રદર્શન
કેટલાક સમયથી કેએલ રાહુલ વનડે ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વર્ષ 2023માં રાહુલે કુલ 24 ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 66.25ની સરેરાશથી 1060 રન બનાવ્યા હતા અને 2 સદી અને 7 અડધી સદી પણ ફટકારી હતી. વર્ષ 2024માં ભારતે ફક્ત 3 વનડે મેચ રમી હતી. જેમાંથી રાહુલે 2 મેચમાં રમવાની તક મળી હતી અને જેમાં તેણે 15ની સરેરાશથી 31 રન બનાવ્યા હતા.
શું રાહુલની જગ્યાએ પંત કે સેમસનને મળશે તક?
હવે કેએલ રાહુલની ગેરહાજરીમાં રિષભ પંત કે સંજુ સેમસનમાંથી કોને રમવાની તક મળશે તે જોવું રસપ્રદ રહેશે. સંજુએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વ્હાઇટ બોલ ક્રિકેટ સીરિઝમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી હતી. બીજી તરફ પંતે ગયા વર્ષે વાપસી કર્યા પછી માત્ર એક જ વનડે રમી છે. આ મેચમાં પંત ફક્ત 6 રન બનાવી શક્યો હતો. જો કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં પંત સારા ફોર્મમાં દેખાયો હતો.