રોહિત અને કોહલીથી પણ આગળ નીકળ્યો રાહુલ, ગાબા ટેસ્ટમાં આબરુ બચાવી અને રૅકોર્ડ પણ બનાવ્યો
IND vs AUS, KL Rahul : ભારતીય ક્રિકેટર કે.એલ રાહુલે વર્ષ 2020થી દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સરેરાશ હાંસલ કરીને ભારતના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. હકીકતમાં હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં રોહિત, વિરાટ અને અન્ય ભારતીય ખેલાડીઓ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી રહ્યા છે, ત્યારે રાહુલે પોતાની બેટિંગ દ્વારા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો : IND vs AUS: રોહિત શર્માની આ એક તસવીરના કારણે ફેન્સના વધ્યા ધબકારા, નિવૃત્તિની અટકળો
રાહુલે વિરાટ અને રોહિતને પાછળ છોડ્યાં
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે રાહુલ જયારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તે પેટ કમિન્સની ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થતા બચી ગયો હતો. ત્યારબાદ રાહુલે મળેલી તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને રેડ બોલ ક્રિકેટમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. રાહુલ હાલમાં વિદેશની ધરતી પર પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
વર્ષ 2020થી અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રાહુલે રમેલી 10થી વધુ ઇનિંગ્સમાં તેની સરેરાશ 41.1 રહી હતી. જે રોહિતની 33.2, વિરાટની 30.4 અને પંતની 34.8 કરતાં વધુ છે. વર્ષ 2024માં રોહિત અને વિરાટનું ટેસ્ટ ફોર્મેટના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ દરમિયાન રાહુલની સરેરાશ રોહિત, વિરાટ અને રિષભ પંત કરતા પણ સારી રહી હતી.
આ પણ વાંચો : ગાબા ટેસ્ટ ડ્રો તરફ, ચોથા દિવસના અંતે ભારતના 9 વિકેટે 252 રન, રાહુલ-જાડેજાની અડધી સદી
ભારતને ફોલોઓનથી બચવવા રાહુલનું મહત્ત્વનું યોગદાન
વિરાટ કોહલીએ વર્ષ 2024માં રમેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં તેની સરેરાશ 9.12 રહી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 47 રહ્યો હતો. જ્યારે રોહિતની સરેરાશ 8.85 રહી છે. જેમાં 23 તેનો સર્વોચ્ચ સ્કોર હતો. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ વિરાટ અને રોહિત ફોર્મ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જયારે રાહુલે પોતાની નબળાઈઓને દુર કરી મેચને ભારતની તરફેણમાં રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ત્રીજી ટેસ્ટમાં 84 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું.