સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં કોણ હશે ભારતીય ટીમનો વિકેટકીપર, રાહુલ દ્રવિડે જણાવ્યું નામ
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનું પ્રારંભ આવતીકાલથી થવાનું છે
Image:File Photo |
IND vs SA 1st Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનું પ્રારંભ આવતીકાલથી થવાનું છે. આ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાનાર છે. પ્રથમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે આ સાફ કરી દીધું છે કે બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમનો વિકેટકીપર કોણ હશે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ઇશાન કિશન અને કે.એલ રાહુલના રૂપમાં 2 વિકેટકીપર પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ સિરીઝ શરુ થવા પહેલા ઈશાને પોતાનું નામ પાછુ ખેંચી લીધું જેના કારણે કે.એસ ભરતને તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત માટે રાહુલે વનડે ક્રિકેટમાં વિકેટકીપિંગ કરી છે
કે.એલ રાહુલે વનડે ક્રિકેટમાં ભારત માટે વિકેટકીપિંગ કરી છે, પરંતુ ટેસ્ટ મેચમાં હજુ સુધી તેણે હાથ અજમાવ્યો નથી. જયારે કે.એસ ભરતને જયારે પણ તક મળી છે ત્યારે તેણે પોતાનું કૌશલ બતાવ્યું છે. પરંતુ તે બેટિંગમાં ફેલ રહ્યો છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ હતો કે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપિંગ કોણ કરશે.
'કે.એલ માટે કંઇક અલગ કરવાની તક'
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે આ પ્રશ્નનો અંત કરતા મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'આ અમારા માટે એક પડકાર છે. આ કે.એલ રાહુલ માટે કંઈક અલગ કરવાની તક હશે. ઈશાનની ગેરહાજરીમાં અમારી પાસે પસંદગી માટે કેટલાક કીપર હતા. કે.એલ હવે તેને આગળ લઇ જવા તૈયાર લાગે છે. અમે એ પણ સમજીએ છીએ કે તેણે આ પહેલાં લાંબા ફોર્મેટમાં કીપિંગ કરી નથી, પરંતુ તેણે વનડેમાં આવું કર્યું છે. જો કે તે થોડું મુશ્કેલ પણ છે.'
'કે.એલ રાહુલની ટીમમાં ઉપસ્થિતિ ખુબ સારી બાબત છે'
કોચે વધુમાં કહ્યું, 'કે.એલ રાહુલે ગત 5-6 મહિનામાં કીપિંગ કરી છે. આ દરમિયાન તેણે સ્પિન કરતા ફાસ્ટ બોલિંગ સામે વધુ કીપિંગ કરી છે. આવી સ્થિતિમાં તેના માટે આ ભૂમિકા સારી રીતે ભજવવી આસાન નહીં હોય. અમે તેના પર નજર પણ રાખીશું. તેના જેવો ખેલાડી ટીમમાં હોવો સારી વાત છે, જે બેટિંગની સાથે સાથે કીપિંગ પણ કરી શકે છે.'