IND vs SA : ત્રણ મહિના પહેલા બધા મને ગાળો આપતા હતા, ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કાઢ્યો બળાપો
રાહુલને ખરાબ ફોર્મના કારણે T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો
કે.એલ રાહુલને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો
Image:Social Media |
IND vs SA 1st Test KL Rahul Addresses Online Abuse : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કે.એલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તેણે સાઉથ આફ્રિકા સામે 137 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. તેની આ શાનદાર ઇનિંગ બાદ દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યો છે. જો કે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલનું દર્દ છલકાયું હતું. તેણે કહ્યું કે આજે લોકો મારા વખાણ કરી રહ્યા છે પરંતુ ત્રણ મહિના પહેલા મળે લોકો ગાળો આપી રહ્યા હતા.
રાહુલને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો
કે.એલ રાહુલ માટે વર્ષ 2023 ખુબ મુશ્કેલ રહ્યો છે. વર્ષની શરૂઆતમાં તેને ખરાબ ફોર્મના કારણે T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ IPL 2023 દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સહિત ઘણી મેચ મિસ કરી હતી. આ દરમિયાન સોશ્યલ મીડિયા પર કે.એલ રાહુલને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો.
કે.એલ રાહુલનું દર્દ છલકાયું
રાહુલે પોતાના વિશે કહેવામાં આવેલી વાતોનો સામનો કરવા બાબતે કહ્યું, 'આ ખુબ જ મુશ્કેલ છે. તમારી પાસે તમારું પોતાનું વ્યક્તિત્વ અને વિશેષતાઓ છે. જ્યારે તમે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમો છો ત્યારે આ બધાને પડકારવામાં આવે છે. એક વ્યક્તિ તરીકે, એક ક્રિકેટર તરીકે તમને દરરોજ, દરેક ક્ષણે પડકારવામાં આવે છે.'
'આવી વસ્તુઓથી દૂર રહેવું તમારી રમત અને માનસિકતા બંને માટે સારું છે'
રાહુલે વધુમાં કહ્યું, 'આજે મેં સદી ફટકારી છે તો લોકો મારા વખાણ કરી રહ્યા છે. ત્રણ-ચાર મહિના પહેલા લોકો મને સોશ્યલ મીડિયા પર ગાળો આપી રહ્યા હતા. આ રમતનો એક ભાગ છે, પરંતુ હું એવું નહીં કહી શકતો કે આ વસ્તુઓ તમને પ્રભાવિત નથી કરતી. જેટલું જલ્દી તમે સમજશો કે આનાથી દૂર રહેવું તમારી રમત અને તમારી માનસિકતા માટે સારું છે એટલું સારું રહેશે.'