KKR vs GT : હોમ ગ્રાઉન્ડ પર જ કોલકાતાની હાર, ગુજરાત ટાઇટન્સે 39 રનથી હરાવ્યું
KKR vs GT, IPL 2025 : આઇપીએલ 2025માં આજે (21 એપ્રિલ) કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં મેચ રમાઇ હતી. આમ ગુજરાતે કોલકાતાને તેના જ હોમ ગ્રાઉન્ડમાં ધૂળ ચટાડી છે. આ મેચમાં કેકેઆરએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે પછી ગુજરાતે પહેલા બેટિંગ કરીને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કેકેઆર માત્ર 159 રન જ બનાવી શકી હતી.
મેચમાં ગુજરાતનું પ્રદર્શન
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર બેટર શુભમન ગિલે તોફાની બેટિંગ કરીને 55 બોલમાં 90 રન ફટકાર્યા હતા. આ સિવાય સાંઇ સુદર્શને 36 બોલમાં 52 રન અને જોસ બટલરે 23 બોલમાં અણનમ 41 રન બનાવી કેકેઆર સામે વિશાળ સ્કોર મૂકવામાં મોટો ફાળો આપ્યો હતો. આમ ગુજરાતે ત્રણ વિકેટ ગુમાવીને કેકેઆરને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલિંગની વાત કરીએ તો ગુજરાત તરફથી રાશિદ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અન્ય બોલરોએ પણ એક-એક વિકેટ ઝડપી હતી. આમ ગુજરાતની બોલિંગમાં પણ જબરદસ્ત હોવાથી કેકેઆર માત્ર 159 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચોઃ વાનખેડેમાં વિસ્ફોટક બેટિંગથી રોહિત શર્માનો મહારેકોર્ડ: ધવન, કોહલી અને ધોનીને પછાડ્યા
મેચમાં કોલકાતાનું પ્રદર્શન
બેટિંગમાં કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટર રહમાનુલ્લાહ ગુરબાઝ 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ સિવાય અન્ય બેટરો પણ કોઇ ખાસ કમાલ કરી શક્યા નહોતા. કેકેઆર તરફથી સૌથી વધુ રન કેપ્ટન અજિંક્યે રહાણેએ ફટકાર્યા હતા. તેણે 36 બોલમાં 50 રન બનાવીને કેકેઆરને સન્માનજનક સ્કોર પર પહોંચવામાં ફાળો આપ્યો હતો. આમ કેકેઆર 8 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. બોલિંગમાં પણ કેકેઆરનું પ્રદર્શન કંઇ ખાસ નહોતું. કેકેઆર તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા અને આંદ્રે રસેલ 1-1 વિકેટ લઇ શક્યા હતા.
પોઇન્ટ ટેબલમાં ફેરફાર
કેકેઆર સામે ભવ્ય જીત સાથે ગુજરાત ટાઇટન્સે ટોચના સ્થાને છે. ગુજરાતે IPL 2025 માં અત્યાર સુધી 8 માંથી 6 મેચ જીતી છે. બીજી બાજુ કોલકાતાને આ હારથી નુકસાન થયું છે. કોલકાતાની ટીમ છઠ્ઠા પરથી સાતમા સ્થાને આવી ગઇ છે. કેકઆરએ IPL 2025 માં અત્યાર સુધી 8 માંથી ત્રણ મેચો જીતી છે.