ત્રેવડી સદી ફટકારનારા આ ક્રિકેટરને ટીમ ઇન્ડિયા ભૂલી ગઈ, હવે તેણે ફરી ફટકારી T20 સેન્ચ્યુરી
Karun Nair: આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હોય, સદી ફટકારી હોય છતાં માત્ર 6 જ મેચ રમી શક્યા હોય એવા ક્રિકેટરોની યાદી બનાવવી બહુ મુશ્કેલ કામ છે. ખરેખર તો આવો એક જ ક્રિકેટર છે જે ભારતીય છે અને તેનું નામ છે કરુણ નાયર.
ભારતીય ક્રિકેટ ટીમમાંથી લગભગ બહાર થઈ ગયેલા બેટ્સમેન કરુણ નાયરે ફરીથી એક વખત ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તાજેતરમાં જ એક T20 ટુર્નામેન્ટમાં તેણે ધૂમ મચાવી દીધી છે.
દક્ષિણ ભારતમાં રમાઈ રહેલી મહારાજા T20 ટ્રોફીમાં મૈસૂર વોરિયર્સ તરફથી રમતાં કરુણે શાનદાર સદી ફટકારી હતી. મેંગલુરુ ડ્રેગન સામેની આ મેચમાં તેણે 48 બોલમાં 9 છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી અણનમ 124 રન બનાવ્યા હતા. કરુણ મૈસૂર વોરિયર્સ ટીમની કૅપ્ટનશિપ પણ કરી રહ્યો છે.
કરુણે 43 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી . તેણે પ્રથમ 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે અંતિમ 50 રન 16 બોલમાં ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે છેલ્લા 6 બોલમાં સતત 3 સિક્સ અને 3 ફોર ફટકારીને કુલ 124 રન બનાવ્યા હતા. ટી20 કરિયરમાં નાયરની આ ત્રીજી સદી છે. ટી20 ક્રિકેટમાં આ તેની સૌથી મોટી ઇનિંગ છે.
કૅપ્ટન કરુણ નાયરની વિસ્ફોટક સદીના આધારે મૈસૂર વોરિયર્સે 226 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા પણ નાયરે પોતાના બેટનો પરચો બતાવી દીધો છે. આ અગાઉની મેચમાં પણ તેણે 35 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. ટી20માં સદી ફટકારવી કોઈ પણ બેટ્સમેન માટે સરળ વાત નથી. એમાં પણ કરુણ નાયરે તો લગભગ 260ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. હાલમાં કર્ણાટકમાં મહારાજાના નામે ડોમેસ્ટિક T20 ટ્રોફી રમાઈ રહી છે.
કરુણે ગત સિઝનમાં 532 રન બનાવ્યા હતા. તેણે 12 ઇનિંગ્સમાં 162.69ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. ક્રિકેટ ચાહકોને યાદ જ હશે કે તેણે 2016માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ આ ત્રેવડી સદી ફટકાર્યા પછી પણ તે ટીમ ઇન્ડિયા માટે વધારે ક્રિકેટ રમી શક્યો નહોતો. તે ભારત માટે 6 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ અને 2 વન-ડે મેચ રમ્યો છે.