ફાઈનલમાં હાર બાદ ભારતીય ટીમને મળ્યો કપિલ દેવનો સાથ, કહ્યું- ખેલાડીઓએ આગળ વધવું પડશે
ભારતને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો
Image:File Photo |
Kapil Dev Praises Team India : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની સાથે સાથે તેમના ફેન્સ પણ ખુબ નિરાશ થયા હતા. નિરાશ ભારતીય ટીમને પૂર્વ કેપ્ટન અને 1983 વર્લ્ડકપ વિજેતા કપિલ દેવે સાંત્વના આવી હતી. તેમણે કહ્યું હતું કે હાર બાદ પોતાની ભૂલથી શીખીને આગળ વધવાનો સમય છે.
ખેલાડીઓને આગળ વધવું પડશે - કપિલ દેવ
કપિલ દેવથી પૂછવામાં આવ્યું હતું કે હાર બાદ ખેલાડીઓ દુખી છે. તમે તેમને શું કહેશો ? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'ખેલાડીઓએ આગળ વધવું પડશે. જો તમને હારનો સામનો કરવો પડ્યો હોય તો તેને જીવનભર તમારી સાથે રાખો એવું ન કરવું જોઈએ. ખેલાડીએ આગળ વધવું પડશે. જે થયું તે બદલી શકાતું નથી. સખત મહેનત કરતા રહો. એક ખેલાડી હોવાનો આ જ અર્થ છે. તેઓએ ખરેખર સારું ક્રિકેટ રમ્યું હતું. હા, તેઓ છેલ્લી અડચણ પાર કરી શક્યા ન હતા. આપણે આ ભૂલમાંથી શું શીખી શકીએ તેના પર ધ્યાન આપવું છે.'
કપિલ દેવને ફાઈનલ જોવા માટે આમંત્રણ આપવામાં ન આવ્યું
કપિલ દેવ ODI World Cup 2023ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ન હતા. આ અંગે તેમણે હાલમાં જ કહ્યું હતું કે તેમણે ફાઈનલ માટે આમંત્રિત જ કરવામાં ન આવ્યો હતો. કપિલ દેવ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના તમામ સભ્યો સાથે સ્ટેડિયમમાં જોવા ઈચ્છતા હતા. પરંતુ તેમને બોલાવવામાં આવ્યા ન હતા.