કપિલ દેવનું દર્દ છલકાયું, BCCIને કરી અપીલ, કહ્યું - આ ખેલાડીની મદદ કરો, હું મારું પેન્શન આપવા તૈયાર

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કપિલ દેવનું દર્દ છલકાયું, BCCIને કરી અપીલ, કહ્યું - આ ખેલાડીની મદદ કરો, હું મારું પેન્શન આપવા તૈયાર 1 - image


Kapil Dev: પોતાની કેપ્ટનશીપમાં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ખાસ અપીલ કરી છે. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને કોચ અંશુમન ગાયકવાડ બ્લડ કેન્સરની બિમારીનો સામનો કરી રહ્યા છે. 71 વર્ષીય ગાયકવાડની લંડનની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કપિલ દેવે બોર્ડને તેમની મદદ કરવાની અપીલ કરી છે. 

કપિલ દેવે ખુલાસો કરતા જણાવ્યું કે, ટીમના મારા પૂર્વ સાથી મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્રી અને કીર્તિ આઝાદ ગાયકવાડની સારવાર માટે ફંડ એકત્ર કરવા માટે પાતાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. કપિલે કહ્યું કે મને વિશ્વાસ છે કે BCCI આ મામલાને ધ્યાનમાં લેશે અને ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા ગાયકવાડને આર્થિક મદદ કરશે.

કપિલ દેવનું દર્દ છલકાયું

કપિલે કહ્યું કે, આ ખૂબ જ નિરાશાજનક છે. હું દુ:ખી છું કારણ કે હું ગાયકવાડ સાથે ઘણો રમ્યો છું અને તેમને આ સ્થિતિમાં નથી જોઈ શકતો. કોઈને પણ સમસ્યા ન થવી જોઈએ. હું જાણું છું કે બોર્ડ તેમને જોશે. અમે કોઈને દબાણ નથી કરી રહ્યા. ગાયકવાડ માટે કોઈપણ મદદ હૃદયથી આવવી જોઈએ. મેચ રમતી વખતે પણ તેમને ફાસ્ટ બોલરોના બોલથી ઈજા પહોંચી છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેમની સાથે ઉભા રહીએ. મને ખાતરી છે કે અમારા ક્રિકેટ ચાહકો તેમને નિષ્ફળ નહીં થવા દેશે. તેમણે ગાયકવાડની રિકવરી માટે પ્રાર્થના કરવી જોઈએ. 

કપિલે ટ્રસ્ટ બનાવવાની વકાલાત કરી

કપિલે કહ્યું કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો હું મારું પેન્શન પણ દાન કરવા તૈયાર છું. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યે અમારી પાસે કોઈ સિસ્ટમ નથી. આ જોઈને સારું લાગે છે કે, વર્તમાન ખેલાડીઓ પાસે પૈસા છે. હવે સપોર્ટ સ્ટાફને પણ સારો પગાર મળે છે. અમારા સમયમાં બોર્ડ પાસે એટલા પૈસા નહોતા. ભૂતકાળના સીનિયર ખેલાડીઓને મદદ કરવી જોઈએ પરંતુ તેઓ તેમનો સહયોગ ક્યાં મોકલશે? જો ટ્રસ્ટ બનાવવામાં આવે તો તેઓ ત્યાં પૈસા મોકલી શકે છે, પરંતુ અમારી પાસે આવી કોઈ સિસ્ટમ નથી. આવું ટ્રસ્ટ હોવું જોઈએ અને મને લાગે છે કે BCCIએ આ કરવું જોઈએ. તેઓ ભૂતકાળ અને વર્તમાન ખેલાડીઓને જુએ છે. જો પરિવાર અમને પરવાનગી આપે તો અમે અમારું પેન્શન દાનમાં આપવા તૈયાર છીએ.

ગાયકવાડ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યો છે

ગાયકવાડનું ટેસ્ટ કરિયર 1975થી 1987 સુધી ચાલ્યું અને તેઓ ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમ્યા છે. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડ એ સમયે ભારતીય ટીમના કોચ હતા જ્યારે અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે એક ઈનિંગમાં 10 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી.


Google NewsGoogle News