બરાબર કર્યુ, બે-ત્રણ મોટા ખેલાડીઓને નુકસાન થશે, થવા દો : કપિલ દેવ
BCCIએ બુધવારે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી
ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કરવામાં આવ્યો હતો
Image:File Photo |
Kapil Dev : BCCIએ બુધવારે 2023-24 માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. આ વખતે બોર્ડે ઘણા સ્ટાર અને અનુભવી ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કરીને બોર્ડે યુવા ખેલાડીઓને કડક સંદેશ આપ્યો હતો. BCCIના આ નિર્ણયને મોટાભાગના પૂર્વ ક્રિકેટરો સાચો માને છે. જો કે પૂર્વ ક્રિકેટરોએ પણ આ બંને ખેલાડીઓની વાપસીની આશા વ્યક્ત કરી છે. આ દરમિયાન ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ડોમેસ્ટિક ક્રિકેટની અવગણના કરનારા ક્રિકેટરોને બાકાત રાખવાના BCCIના નિર્ણયને સમર્થન આપ્યું છે.
“દેશથી મોટું કોઈ નથી”
કપિલ દેવે કહ્યું, "હા, કેટલાક ખેલાડીઓને નુકસાન થશે, કેટલાક લોકોને સમસ્યા થશે, થવા દો, પરંતુ દેશથી મોટું કોઈ નથી. સારું કામ કર્યું. ડોમેસ્ટિક ક્રિકેટને બચાવવા માટે જરૂરી પગલાં લેવા બદલ હું BCCIને અભિનંદન આપું છું. મને એ જોઈને દુઃખ થયું કે જ્યારે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું નામ બનાવી લે છે ત્યારે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નીકળી જાય છે.”
કીર્તિ આઝાદ અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓએ સમર્થન આપ્યું
ઇશાન કિશન ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકા પ્રવાસ છોડ્યા બાદ ઝારખંડ માટે રણજી ટ્રોફી રમવા આવ્યો ન હતો. તેણે IPL 2024ની તૈયારી શરૂ કરી હતી, જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. ઈશાનના આ નિર્ણયને જોઈને બોર્ડે સ્પષ્ટ કહ્યું હતું કે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ જો ટીમની બહાર રહેશે તો તેમને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો પડશે. જો કે ઈશાનની સાથે શ્રેયસ અય્યરે પણ બોર્ડના આદેશની અવગણના કરી હતી. જે બાદ બુધવારે ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બોર્ડના આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કીર્તિ આઝાદ અને ઈરફાન પઠાણ જેવા કેટલાક પૂર્વ ખેલાડીઓએ આ જોડીને સમર્થન આપ્યું હતું.