147 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઈ બેટ્સમેને એક જ મેદાન પર સતત 5 મેચમાં સદી ફટકારી
New Zealand vs England: ન્યુુઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ ન્યુુઝીલૅન્ડના હેમિલ્ટનમાં સેડન પાર્કમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ન્યુઝીલૅન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને ઇંગ્લૅન્ડ સામે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 33મી સદી છે. ખાસ વાત એ છે કે વિલિયમસન ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં એક જ મેદાન પર સતત 5 સદી ફટકારનાર વિશ્વના પહેલા ખેલાડી બની ગયા છે. આ ઉપરાંત તે સૌથી ઝડપી 33મી ટેસ્ટ સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયા છે.
વિલિયમસને એક જ મેદાન પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારી
કેન વિલિયમસને ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે વિલિયમસન એક જ મેદાન પર સતત 5 સદી ફટકારનાર ટોચનો ખેલાડી બની ગયા. વિલિયમસને વર્ષ 2019માં બાંગ્લાદેશ સામે 200 રન, 2019માં ઇંગ્લૅન્ડ સામે 104 રન, 2020માં વેસ્ટ ઇન્ડિઝ સામે 251 રન, 2024માં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 133 રન અને હવે 2024માં ન્યુુઝીલૅન્ડના સેડન પાર્ક મેદાનમાં ઇંગ્લૅન્ડ સામે 156 રન બનાવ્યા છે. સેડન પાર્ક ખાતે વિલિયમસનની આ પાંચમી ટેસ્ટ સદી છે.
સૌથી ઝડપી 33 ટેસ્ટ સદી
કેન વિલિયમસન સૌથી ઝડપી 33 ટેસ્ટ સદી ફટકારવાના મામલે વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેના પહેલા રિકી પોન્ટિંગ અને સચિન તેંડુલકર ટોપ ટુમાં છે. વિલિયમસન પછી યુનિસ ખાન અને સ્ટીવ સ્મિથ આવે છે. કેન વિલિયમસને તેની 186મી ટેસ્ટ ઇનિંગ્સમાં તેની 33મી ટેસ્ટ સદી પૂરી કરી છે.
ન્યુુઝીલૅન્ડમાં સૌથી વધુ સદી
કેન વિલિયમસને ન્યુુઝીલૅન્ડમાં 20 ટેસ્ટ સદી ફટકારીને હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ સદી ફટકારવાનો રૅકોર્ડ બનાવ્યો છે. તેમના પછી રોસ ટેલર અને જોન રાઇટ આવે છે. આ સાથે તેમણે ન્યુુઝીલૅન્ડમાં તમામ ફોર્મેટમાં 24 સદી ફટકારવાનો રૅકોર્ડ પણ રોસ ટેલર સાથે શેર કર્યો છે.