પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શીખ સમુદાયની મજાક બનાવી, હરભજન ભડક્યો તો માફી માગવી પડી
Bharat vs Pakistan T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપમાં રમાયેલી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ફરી એકવાર ભારતે બાજી મારી લીધી છે. જો કે, પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર કામરાન અકમલે અર્શદીપ સિંહનો ઉલ્લેખ કરી સમગ્ર શીખ સમુદાયની મજાક ઉડાવી હતી. હરભજન સિંહને આ વાતની જાણ થતાં જ તેણે કામરાન અકમલની ઝાટકણી કરી હતી. તેમજ કામરાનને પોતાનું મોં બંધ રાખવા કહી શીખ સમુદાયે તેના માટે શું કર્યું છે તે જાણવા કહ્યું હતું.
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાને જોઈને કામરાન અકમલે કોઈ પણ વિલંબ કર્યા વિના શીખ સમુદાયની માફી માંગી છે. વાસ્તવમાં ન્યૂયોર્કમાં રમાયેલી ભારત-પાકિસ્તાન મેચમાં અર્શદીપ સિંહે ભારત માટે છેલ્લી ઓવર ફેંકી હતી. તે ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 18 રન બનાવવાના હતા, પરંતુ ટીમ માત્ર 11 રન બનાવી શકી અને 6 રનના માર્જિનથી મેચ હારી ગઈ. બાદમાં પાકિસ્તાનમાં પ્રસારિત ટીવી શોમાં મેચનું વિશ્લેષણ કરતી વખતે કામરાન અકમલે પૂછ્યું કે સરદાર જી 12 બજ ગયે ક્યા? તેની મજાક ઉડાવી. જ્યારે અન્ય પેનલના સભ્યોએ તેની મજાકમાં સાથ આપતાં તેણે વધુ અભદ્ર કમેન્ટનો મારો ચલાવ્યો હતો.
આ વીડિયો જોયા બાદ હરભજનસિંહ કામરાન અકમલ પર ગુસ્સે થયો હતો અને પોસ્ટ કરી હી કે, “તમારે તમારૂ વાહિયાત મોઢું ખોલતાં પહેલા શિખોનો ઈતિહાસ જાણી લેવો જોઈએ, જ્યારે આક્રમણકારીઓ અમારી માતાઓ અને બહેનોનું અપહરણ કરી ગયા હતા ત્યારે અમે શિખોએ તેમને બચાવ્યા હતા, શું ત્યારે 12 વાગ્યા હતા. તમને શરમ આવવી જોઈએ...”
કામરાને અંતે માફી માંગી
હરભજન સિંહની આ પોસ્ટ અને સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ, સોમવારે મોડી રાત્રે કામરાન અકમલે X પર પોસ્ટ કરી અને શીખ સમુદાયની માફી માંગી અને લખ્યું, "હું મારી તાજેતરની ટિપ્પણીઓ માટે ખૂબ જ દિલગીર છું. હરભજન સિંહ અને શીખ સમુદાયની હું દિલથી માફી માંગુ છું. મારા શબ્દો અયોગ્ય અને અપમાનજનક હતા હું સમગ્ર વિશ્વમાં શીખોનું સન્માન કરું છું અને મારો ઈરાદો ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો."
ઉલ્લેખનીય છે, અગાઉ પણ અર્શદીપ સિંહને લઈને પાકિસ્તાન દ્વારા એક એજન્ડા ચલાવવામાં આવ્યો હતો, જ્યારે એશિયા કપની મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. 2021 T20 વર્લ્ડ કપ મેચમાં જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી ગઈ ત્યારે પાકિસ્તાને મોહમ્મદ શમી વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય લોકોએ તેમના ખેલાડીઓને જોરદાર સમર્થન આપ્યું અને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું.