શબ્દો ઓછા પડી જશે...: IND vs NZ મેચ પહેલા K L રાહુલે કર્યા વિરાટ કોહલીના વખાણ
Image Source: Twitter
KL Rahul on Virat Kohli's 300 ODI: ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ પહેલા કેએલ રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોહમ્મદ શમી અને રોહિત શર્માની ફિટનેસ અંગે કોઈ સમસ્યા નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી ચૂકી છે. પરંતુ આ મેચ નક્કી કરશે કે ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં કઈ ટીમ સાથે ટકરાશે. આ મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે, વિરાટ કોહલીની આ 300મી વનડે મેચ હશે.
વિરાટ કોહલી એલીટ લિસ્ટમાં સામેલ થઈ જશે, જેઓ 300 વનડે મેચ રમ્યા છે. તે 300 વનડે મેચ રમનાર 7મો ભારતીય હશે. તેના પહેલા સચિન તેંડુલકર, એમએસ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ આ લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યા છે.
શબ્દો ઓછા પડી જશે
વિરાટ કોહલીની 300મી વનડે મેચ રમવા અંગે કેએલ રાહુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તે ઘણી બધી વનડે અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. મારો મતલબ છે કે, તે કેટલો સારો ખેલાડી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાનો કેટલો મહાન સેવક રહ્યો છે તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડશે. મને ખૂબ ખુશી છે કે વિરાટ કોહલીએ છેલ્લી મેચમાં પણ 100 રન બનાવ્યા અને તે ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે. તેના જેવા ખેલાડી માટે મોટી અને મેચ જીતનારી સદી ફટકારવાનો સમય હતો.
આ પણ વાંચો: ભારતના કારણે જ તમને પગાર મળે છે...: ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ પર બરાબરના ભડક્યા ગાવસ્કર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ મજબૂત નજર આવી રહી છે. રોહિત પણ સારી શરૂઆત આપી રહ્યો છે. આ પહેલા રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે વનડે સિરિઝમાં સદી ફટકારી હતી. કેએલ રાહુલ માને છે કે ટીમ સારી સ્થિતિમાં છે જ્યાં બેટ્સમેન સારા ફોર્મમાં છે.
અમારી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં
કેએલ રાહુલે આગળ કહ્યું કે, 'એક ટીમ તરીકે અમારી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં છે. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી ખરેખર સારા ફોર્મમાં છે. શ્રેયસે પણ સારું પ્રદર્શન કર્યું છે. એકંદરે આખી ટીમ ખરેખર સારી દેખાઈ રહી છે, અને વિરાટ ચોક્કસપણે ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે.'
વિરાટ કોહલીનું વનડે કરિયર
કોહલીએ અત્યાર સુધીમાં 299 મેચની 287 ઈનિંગ્સમાં 14085 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 51 સદી અને 73 અડધી સદી ફટકારી છે. કોહલીએ વનડેમાં 1318 ચોગ્ગા અને 152 છગ્ગા ફટકાર્યા છે.