Get The App

IND vs NZ : બીજી ટેસ્ટ મેચમાં આ સ્ટાર ખેલાડીનું પત્તું કાપશે રોહિત, પંત પણ થઈ ગયો ફિટ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
IND vs NZ : બીજી ટેસ્ટ મેચમાં આ સ્ટાર ખેલાડીનું પત્તું કાપશે રોહિત, પંત પણ થઈ ગયો ફિટ 1 - image

IND Vs NZ-2nd Test Match, K L Rahul : ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 24 ઑક્ટોબરથી પૂણેમાં રમાશે. બેંગલુરુમાં રમાયેલી પહેલી મેચમાં ભારત હારી ગયું હતું. જેથી કરીને  ન્યૂઝીલેન્ડ આ સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે રોહિત શર્માની ટીમ બીજી મેચમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. મેચ પહેલા તેના માટે સારા સમાચાર આવ્યા છે. વિકેટકીપર અને બેટર રિષભ પંતને મેચ માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.

અગાઉ બેંગલુરુ ટેસ્ટ મેચ દરમિયાન પંતને તે જ ઘૂંટણમાં ઈજા થઈ હતી કે જેમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કારણોસર તે મોટાભાગની મેચમાં વિકેટકીપિંગથી દૂર રહ્યો હતો. જો કે તેણે જોરદાર બેટિંગ કરીને બીજી ઇનિંગમાં 99 રન બનાવ્યા હતા. તે મેચ દરમિયાન સરળતાથી બેટિંગ કરી શકતો ન હતો. છતાં તેણે દર્દ સહન કરીને પણ બેટિંગ કરી હતી. હવે પંત સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમ માટે આ સારા સમાચાર છે.

ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું હતું કે, 'ટીમ મેનેજમેન્ટ રિષભ પંતના ઘૂંટણને લઈને વધારાની સાવચેતી રાખી રહ્યું છે. પંતના પગનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. એક મોટી સર્જરી સિવાય તેણે ઘણી નાની સર્જરીઓ પણ કરાવી છે. છેલ્લા દોઢ વર્ષમાં તે ઘણા ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ તે આરામથી દોડી શકતો ન હતો. તે માત્ર બોલને સ્ટેન્ડમાં મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.'

હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો બેટર કે. એલ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ભારત માટે છેલ્લી 5 ઇનિંગ્સમાં તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. તેણે ઘરઆંગણે રમેલી છેલ્લી 5 ઇનિંગ્સમાં તેનો સ્કોર 16, 22*, 68, 0, 12 રહ્યો હતા. સરફરાઝ ખાને શાનદાર પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. જેને લઈને રાહુલ પર દબાણ વધી ગયું છે. 

હવે રોહિત શર્મા માટે તેને બહાર રાખવો આસાન નહીં હોય. શુભમન ગિલ પણ હવે ફિટ થઈ ગયો છે અને વાપસી માટે તૈયાર છે. આ સ્થિતિમાં સરફરાઝ, રાહુલ અને ગિલમાંથી માત્ર બે જ ખેલાડીઓની પસંદગી થઈ શકે છે. પહેલી ટેસ્ટ બાદ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે સુંદરને આગામી ટેસ્ટમાં તક મળી શકે છે. રોહિત પ્લેઇંગ-11માં કુલદીપની જગ્યાએ સુંદરને પણ સામેલ કરી શકે છે.

આ પણ વાંચો : વજન વધારે હોવાના કારણે આ સ્ટાર ખેલાડીને ટીમની બહાર કરી દેવાયો, અનુશાસનહીનતા પણ કારણ

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ-11 ટીમ

યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ/કે એલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર/મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ

IND vs NZ : બીજી ટેસ્ટ મેચમાં આ સ્ટાર ખેલાડીનું પત્તું કાપશે રોહિત, પંત પણ થઈ ગયો ફિટ 2 - image


Google NewsGoogle News