ભારતની કોપી મારી લો, તમારું કામ થઇ જશે...' પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરની PCBને સલાહ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ભારતની કોપી મારી લો, તમારું કામ થઇ જશે...' પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરની PCBને સલાહ 1 - image


Image Source: X

Basit Ali Advises PCB: બાંગ્લાદેશ સામે પોતાની જ ધરતી પર બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે પહેલીવાર હારી છે. પાકિસ્તાનના ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ તેનાથી નારાજ છે. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારતીય ક્રિકેટની કોપી કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ PCBને ખેલાડીઓનો એક મોટો પૂલ બનાવવા માટે વધુ રેડ બોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવા અંગે ભારત પાસેથી વિચાર લેવા માટે કહ્યું છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ બાદ ODI ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. બાસિત અલીએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, રેડ બોલ ક્રિકેટ પર વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે પાકિસ્તાન પાસે આ ફોર્મેટમાં ક્રિકેટરોનો એક મજબૂત પૂલ નથી. બાસિતે આગળ કહ્યું કે, પાકિસ્તાને અગાઉ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સિસ્ટમની કોપી કરી છે, પરંતુ હવે તેણે ભારતને જોવું જોઈએ અને તેમની ઘરેલું સિસ્ટમની કોપી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ટેસ્ટ સીરીઝ બાદ ચેમ્પિયન્સ કપ નામની ODI ટૂર્નામેન્ટ થશે. પાકિસ્તાને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સિસ્ટમની કોપી કરી છે. ભારત આપણો પાડોશી છે, કૃપા કરીને તેમની સિસ્ટમની પણ કોપી કરો. તમારે ભારત જે કરી રહ્યું છે તેની કોપી કરવાની જરૂર છે. પછી તે ટી-20 ટૂર્નામેન્ટ હોય કે ચાર દિવસની ટૂર્નામેન્ટ હોય. તેઓ પોતાનો આધાર મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે અને આ જ કારણ છે કે, તેઓ આટલા સફળ છે. 

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા પાકિસ્તાને પોતાની ટેસ્ટ ટીમમાંથી રિલિઝ કરેલા અબરાર અહેમદ અને કામરાન ગુલામને 30 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પાછા બોલાવ્યા છે. બંને ખેલાડીઓ 20 થી 23 ઓગસ્ટ દરમિયાન ઈસ્લામાબાદ ક્લબમાં બાંગ્લાદેશ 'A' સામે પાકિસ્તાન શાહિન્સ તરફથી રમતા હતા. અબરાર લેગ સ્પિનર ​​છે, જ્યારે કામરાન ગુલામ મિડલ ઓર્ડર બેટ્સમેન છે. બંને પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવશે કે તેઓ પોત-પોતાનું યોગદાન આપીને પાકિસ્તાનને બીજી ટેસ્ટ જીતાડીને સીરીઝમાં બરાબરી કરવામાં સફળતા અપાવે. 


Google NewsGoogle News