ક્રિકેટ જગતના સૌથી મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સે આ ગુજરાતી ક્રિકેટરને ગણાવ્યો ‘કમ્પલિટ ફિલ્ડર’
Ravindra Jadeja Best Fielder Says jonty: એ વાતમાં કોઈ શંકા નથી કે, સાઉથ આફ્રિકાનો પૂર્વ ક્રિકેટર જોન્ટી રોડ્સ ક્રિકેટ જગતનો સૌથી મહાન ફિલ્ડર ગણાય છે. પરંતુ મોર્ડન ક્રિકેટમાં જોન્ટી જેવો બેસ્ટ ફિલ્ડર કોને કહી શકાય? ખુદ જોન્ટી રોડ્સે આ વિશે વાત કરી છે. ઘણાં સમય પહેલાં ક્રિકેટમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ જ વખણાતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ પણ તેની ફિલ્ડિંગમાં ઘણો સુધારો કર્યો છે. જેના લીધે ટીમ ઈન્ડિયાએ પણ ફિલ્ડિંગ મામલે અન્ય ટીમોને આકરી ટક્કર આપી શકે છે.
જાડેજા પછી રૈના બ્રિલિયન્ટ ફિલ્ડર
જોન્ટી રોડ્સે મોડર્ન ક્રિકેટ જગતનો બેસ્ટ ફિલ્ડર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ગણાવ્યો છે. રોડ્સે જાડેજાને આજના સમયનો બેસ્ટ ફિલ્ડર ગણાવતા કહ્યું છે કે ‘મને ભારતના બે ક્રિકેટર ખાસ પસંદ છે. એક સુરેશ રૈના અને બીજો રવિન્દ્ર જાડેજા. આ બંને સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્ડર પણ છે, પરંતુ મોડર્ન ક્રિકેટની વાત થાય તો, નિશ્ચિત રૂપે બેસ્ટ ફિલ્ડર રવિન્દ્ર જાડેજા જ ગણાય. તેનું સ્ટમ્પિંગ પણ પરફેક્ટ હોય છે, જ્યારે રૈના પણ બ્રિલિયન્ટ ફિલ્ડર છે. જો કે કમ્પલિટ ફિલ્ડર તો રવિન્દ્ર જાડેજાને જ ગણી શકાય.’
જાડેજા દરેક પોઝિશનમાં શ્રેષ્ઠ
રોડ્સે જાડેજાને શ્રેષ્ઠ ફિલ્ડર કહેવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે ‘હું જાડેજાને શ્રેષ્ઠ ફિલ્ડર માનું છું કારણ કે, તે મેદાનમાં ગમે ત્યાં ફિલ્ડિંગ કરી શકે છે. તેને મિડ વિકેટ, લોંગ-ઓન અથવા શોર્ટ કવર પર પણ મેદાનમાં ઉતારી શકાય છે. જાડેજાનું ફૂટવર્ક એટલું ફાસ્ટ છે કે, જ્યારે બોલ તેની નજીક આવે છે ત્યારે બેટ્સમેન ડરી જાય છે. ફિલ્ડિંગમાં, બોલને પકડવા અથવા ફેંકવા કરતાં વધુ મહત્ત્વનું એ છે કે, તમે કેટલી ઝડપથી બોલ સુધી પહોંચો છો. અને આ બધામાં જાડેજા શ્રેષ્ઠ છે.’
રવિન્દ્ર જાડેજાએ 2009માં કોલંબોમાં એક શ્રીલંકા સામેની વન-ડેથી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં કુલ 72 ટેસ્ટ, 197 ODI અને 74 T20I મેચ રમી છે. 35 વર્ષીય ઓલરાઉન્ડર જાડેજા ભારતીય ટીમનો ભાગ હતો, જેણે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. તેણે આ ટુર્નામેન્ટ પછી T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
જાડેજાને શ્રીલંકા સામે તાજેતરમાં રમાયેલી વનડે શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે બાંગ્લાદેશ સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે મહત્ત્વનો ખેલાડી હશે.