IND vs ENG : બીજી ટેસ્ટ મેચ વચ્ચે ઈંગ્લેન્ડને મોટો ઝટકો, આંગળીમાં ઈજા થતાં જો રૂટ બહાર
ભારત ઇંગ્લેન્ડ સામે બીજી ઇનિંગમાં 255 રનના સ્કોર પર ઓલઆઉટ
ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચ જીતવા 399 રનની જરૂર
Image:Twitter |
IND vs ENG 2nd Test Joe Root Injured : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. હાલ ભારતીય ટીમ ડ્રાઈવિંગ સીટ પર છે અને ઇંગ્લેન્ડની મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન જો રૂટ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. રૂટ સ્લિપમાં ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને તેના જમણા હાથની ટચલી આંગળી પર બોલ વાગ્યો હતો. તે પછી રૂટને મેદાનની બહાર જવું પડ્યું હતું. જો રૂટ ફિટ નહીં થાય તો ચોથી ઇનિંગ્સમાં મોટા લક્ષ્યનો પીછો કરવો ઇંગ્લિશ ટીમ માટે ખૂબ મુશ્કેલ બની શકે છે.
રૂટની ગેરહાજરી ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મૂકી શકે
ભારતે ઇંગ્લેન્ડને જીતવા 399 રનો ટાર્ગેટ આપ્યો છે. આવી સ્થિતિમાં જો રૂટ ફિટ નહીં થાય તો ઇંગ્લેન્ડની ટીમને તેની ગેરહાજરી મુશ્કેલીમાં મૂકી શકે છે. મળેલા અહેવાલો મુજબ રૂટના જમણા હાથની ટચલી આંગળીમાં ઈજા થઇ છે. મેડિકલ ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે અને તે મેદાનની બહાર છે. તેને બરફ વગેરે પણ લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં તેના મેદાનમાં પાછા ફરવા અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.
ભારતીય બોલર્સ રૂટને શાંત રાખવામાં સફળ રહ્યા
જો રૂટે આ સીરિઝમાં હજુ સુધી એવી બેટિંગ કરી નથી જેવી ઇંગ્લેન્ડની ટીમ તેનાથી આશા રાખે છે. ત્રણ ઇનિંગ્સમાં તેણે માત્ર 36 રન જ બનાવ્યા છે. તેણે હૈદરાબાદ ટેસ્ટમાં 29 અને 2 રન બનાવ્યા હતા. વિશાખાપટ્ટનમમાં પણ તે પ્રથમ ઇનિંગમાં માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ આંકડા તેનાથી વિરોધાભાસી છે કે, તે ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. હવે તે ક્યારે મેદાનમાં પરત ફરે છે તે જોવાનું રહેશે. ઈંગ્લેન્ડની ટીમ અને તેના પ્રશંસકો આશા રાખશે કે આ ઈજા બહુ ગંભીર ન હોય.