સચિનના રેકોર્ડની લગોલગ પહોંચી ગયો આ ધુરંધર ક્રિકેટર, કોહલીને તો ક્યાંય પાછળ છોડી દીધો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
sachin tendulkar joe root


Joe Root: ક્રિકેટમાં જ્યારે પણ રેકોર્ડની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ સચિન તેંડુલકરનું આવે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી અને સૌથી વધુ રનના સચિન તેંડુલકરના રેકોર્ડની નજીક પણ કોઈ નથી લાગતું. પરંતુ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો તેનો રેકોર્ડ વધારે સમય માટે ટકશે એવું લાગતું નથી. એવું લાગે છે કે નજીકના સમયમાં ઈંગ્લેન્ડનો એક ખેલાડી તેનો આ રેકોર્ડ તોડી નાખશે. 

જે ખેલાડી સચિનનો રેકોર્ડ તોડી શકે એવું લાગી રહ્યું છે એ ઇંગ્લિશ ક્રિકેટરનું નામ છે જો રુટ. જો રૂટે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં 143 રન બનાવ્યા હતા. તેણે 206 બોલની ઈનિંગમાં 18 ચોગ્ગા ફટકાર્યા હતા. જો રૂટની આ 33મી સદી છે. આ સાથે તે ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર એક્ટિવ ક્રિકેટર બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં એક્ટિવ ક્રિકેટરોમાં સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન 32-32 સદી સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ત્રીજા નંબર પર 29 સદી સાથે ભારતીય બેટર વિરાટ કોહલી છે. ઓવરઓલ વાત કરીએ તો સચિન તેંડુલકરે સૌથી વધુ 51 ટેસ્ટ સદી ફટકારી છે. સચિન અને જો રૂટ વચ્ચે આ લિસ્ટમાં અન્ય 8 ક્રિકેટરો છે. જો કે ટૂંક સમયમાં  રૂટ આમાંથી ચાર ક્રિકેટરોને પાછળ છોડી શકે છે. આ ચાર ક્રિકેટરોના નામ છે, સુનીલ ગાવસ્કર, બ્રાયન લારા, યુનિસ ખાન અને મહેલા જયવર્દને. આ ચારેય ખેલાડીઓએ 34-34 ટેસ્ટ સદી ફટકારી છે.

આ પણ વાંચો: માત્ર 26 વર્ષના ક્રિકેટરને લેવી પડી નિવૃતિ, ઈચ્છા નહીં મજબૂરી, ભારત સામે રમ્યો પહેલી અને છેલ્લી મેચ

સચિનના નામે 51 ટેસ્ટ સદી

સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે. જો રૂટે 145 ટેસ્ટ મેચમાં 12274 રન બનાવ્યા છે. સચિને 53.78ની એવરેજથી રન બનાવ્યા હતા અને જો રૂટ 50.71ની એવરેજથી રન બનાવી રહ્યો છે. જેના કારણે લાગી રહ્યું છે કે સચિન તેંડુલકરનો સૌથી વધુ ટેસ્ટ સદીનો રેકોર્ડ હજુ પણ જો રૂટની પહોંચની બહાર છે. પરંતુ તેનો સૌથી વધુ રનનો રેકોર્ડ વધુ દૂર નથી. 

સૌથી વધારે રનનો રેકોર્ડ તૂટી શકે

સચિન કરતા જો રૂટ હાલ 3647 રન પાછળ છે. 2012થી ટેસ્ટ મેચ રમી રહેલા જો રૂટે 12 વર્ષમાં 262 ઇનિંગ્સ રમી છે. જો તે હાલની એવરેજ પ્રમાણે રન બનાવશે તો તેણે આ માટે ઓછામાં ઓછી 72 ઈનિંગ્સ રમવી પડશે. હાલમાં તેની ઉંમર 33 વર્ષની છે. જો તે ફિટ રહેશે તો તે આગામી 4 વર્ષમાં અંદાજે 40 ટેસ્ટ અને 70-80 ઇનિંગ્સ રમશે. આવી સ્થિતિમાં જો રૂટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રનની નજીક આવે અથવા તેને પાછળ છોડી દે તે કોઈ મોટી વાત નથી લાગતી.

ફેબ 4માં પણ સૌથી આગળ

જો રૂટના તાજેતરના આંકડાઓ પર નજર કરીએ તો તેણે 1 જાન્યુઆરી, 2021 પછી 48 ટેસ્ટ મેચ રમી છે. તેણે આ મેચોમાં 56.34ની એવરેજથી 4451 રન બનાવ્યા છે. જેમાં 16 સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટના વર્તમાન જગતના ફેબ 4 કહેવાતા વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રુટ અને વિલિયમસન આ ચારમાં પણ આ એવરેજ અને દેખાવ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સારો છે.


Google NewsGoogle News