જીન્સ નહીં ચાલે, કપડાં બદલો...: ચેસમાં નવો વિવાદ, મેગ્નસ કાર્લસનને ટુર્નામેન્ટથી બહાર કરી દેવાયો
Magnus Carlsen : વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચેસ ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસનને ટુર્નામેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટુર્નામેન્ટ દરમિયાન તેણે પહેરેલી જીન્સ બદલવાની ના પાડતા તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશને જાણકારી આપી હતી. ફેડરેશને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટના નિયમોમાં 'ડ્રેસ કોડ' (કપડા સંબંધિત નિયમો)નો સમાવેશ થાય છે. જે ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ મૂકે છે.
શું કહ્યું ફેડરેશને?
આ સમગ્ર વિવાદ અંગે ફેડરેશને જણાવ્યું હતું કે, 'ચીફ આર્બિટરે કાર્લસનને ઉલ્લંઘનની જાણ કરી હતી. તેમણે કાર્લસનને 200 ડોલરનો દંડ ફટકાર્યો હતો અને તેમણે કાર્લસનને કપડાં બદલવાની વિનંતી કરી હતી. પરંતુ કાર્લસનને આવું કરવાની ના પડી દીધી હતી જેને પરિણામે તેને નવમા રાઉન્ડમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણય નિષ્પક્ષ રીતે લેવામાં આવ્યો હતો અને તમામ ખેલાડીઓને સમાન રીતે લાગુ પડે છે.'
કાર્લસને આપી પ્રતિક્રિયા
નોર્વેના 34 વર્ષીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કાર્લસને પોતાની 'ટેક ટેક ટેક' ચેસ એપ પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે, મેં 200 ડોલરના દંડને સ્વીકારી લીધો છે. તેણે ન્યૂયોર્કમાં આયોજિત આ ટુર્નામેન્ટને છોડતા પહેલા પોતાના પેન્ટને બદલવાનો ઇનકાર કર્યો હતો. કાર્લસને વીડિયોમાં કહ્યું હતું, 'મેં કહ્યું કે જો કોઈ સમસ્યા ન હોય તો હું કાલે મારા કપડાં બદલી નાખીશ. પરંતુ મને કહેવામાં આવ્યું કે, તમારે હમણાં જ કપડાં બદલવા પડશે. તે સમયે એ મારા માટે સિદ્ધાંતનો વિષય બની ગયો હતો.'
સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર દંડ ફટકારાયો
ડ્રેસ કોડને લઈને ફેડરેશને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ડ્રેસ કોડ તમામ સહભાગીઓ માટે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા બનાવવામાં આવેલી. ફેડરેશને એમ પણ કહ્યું કે ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ઈયાન નેપોમ્નિઆચીને શુક્રવારે 'સ્પોર્ટ્સ શૂઝ' પહેરીને ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.