બુમ...બુમ...બુમરાહ... ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર જાહેર, રુટ-બ્રૂક જેવા દિગ્ગજો જોતાં રહી ગયા
ICC Men's Test Cricketer of the Year 2024: ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહને 2024નો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરાયો છે. તેણે ઈંગ્લેન્ડના જો રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ જીત્યો છે. બુમરાહ પોતાની આક્રમક બોલિંગ માટે લોકપ્રિય રહ્યો છે. તેણે 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજ અને 30.16ના સ્ટ્રાઈક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી.
તાજેતરમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ 1-3થી હારનો સામનો કર્યો હતો. પરંતુ 31 વર્ષીય બુમરાહ પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધી હતી.
રૂટ સૌથી વધુ રન ફટકારનાર બેટર
દિગ્ગજ બેટર રૂટે ગતવર્ષે 17 ટેસ્ટમાં 55.57ની એવરેજે 1556 રન બનાવ્યા હતા. જેમાં છ સદી અને પાંચ અર્ધસદી સામેલ છે. આ સાથે 2024માં તે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટર રહ્યો હતો. બ્રૂકે 12 ટેસ્ટમાં 55ની એવરેજમાં 1100 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને ત્રણ અર્ધસદી ફટકારી હતી. મેંડિસે 9 ટેસ્ટમાં 74.92ની એવરેજે 1049 રન બનાવ્યા હતા. શ્રીલંકન પ્લેયરે પાંચ સદી અને ત્રણ અર્ધસદી ફટકારી હતી.
બુમરાહ માટે આ વિકેટ સૌથી ખાસ
બુમરાહે એવોર્ડ જીત્યા બાદ જણાવ્યું હતું કે, 'આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતવા બદલ હું ખૂબ ખુશ છું. ટેસ્ટ ફોર્મેટ હંમેશાથી મારા ર્હદયની નજીક રહ્યું છે. હું હંમેશા આ ફોર્મેટમાં રમવા માગુ છું. ગત વર્ષ મારા માટે ખાસ રહ્યું છે. જેમાં હું ઘણું શીખ્યો અને જીત્યો. ઈંગ્લેન્ડના બેટર ઓલી પોપની વિકેટ સૌથી ખાસ રહી હતી. આ વિકેટના લીધે મોમેન્ટમ બદલાઈ ગયુ હતું. ઉલ્લેખનીય છે જસપ્રીત બુમરાહે વિશાખાપટ્ટનમમાં આક્રમક યૉર્કર ફેંકી પોપને ક્લિન બોલ્ડ કર્યો હતો.'