ક્રિકેટ માટે ભારત છોડીને કેનેડા જવા તૈયાર હતો બુમરાહ, પત્ની સામે કરી કબૂલાત
Jasprit Bumrah: અમદાવાદથી કારકિર્દીની શરૂ કરીને ભારતના જ નહીં વિશ્વના દિગ્ગજ મીડિયમ પેસ બોલરોમાં સ્થાન મેળવનારા જસપ્રીત બુમરાહે તેના ભૂતકાળના કેટલાક સંસ્મરણોને વાગોળ્યા હતા. જસપ્રીતે તેની પત્ની સંજના ગણેશન સાથેની વાતચીતમાં જ ખુલાસો કર્યો હતો કે, એક તબક્કે તો મારો અભ્યાસ પુરો થઈ જાય પછી અમારો પરિવાર કેનેડામાં સ્થાયી થવાનું વિચારતો હતો. જોકે મારી માતાના નિર્ણયને કારણે અમારો આ પ્લાન-બી પડતો મૂકવો પડ્યો અને હું ભારતીય ક્રિકેટમાં આગવી ઓળખ ઉભી કરી શક્યો હતો. જો તેમ ન થયું હોત તો આજે હું કેનેડાની ટીમમાંથી ક્રિકેટ રમવાનો પ્રયાસ કરતો હોત.
અભ્યાસ પૂરો કરીને કેનેડા સ્થાયી થવું હતું
બુમરાહે કહ્યું કે, દરેક ખેલાડીનું ક્રિકેટ રમવાનું સ્વપ્ન હોય છે. દેશની દરેક ગલીમાં પાંચ ખેલાડી તો એવા મળી જ રહે કે જેઓ દેશ માટે રમવા ઈચ્છતા હોય. આવી સ્થિતિમાં બેકઅપ પ્લાન જરુરી છે. અમારા એક સગા કેનેડામાં રહે છે તો અમે ત્યારે વિચાર્યું હતુ કે, મારો અભ્યાસ પુરો થઈ જાય પછી અમે ત્યાં (કેનેડા)માં સ્થાયી થઈ જઈશું.
મારા મમ્મીના નિર્ણયથી હું ખુશ છુ - બુમરાહ
બુમરાહે કહ્યું કે, "તમારી પાસે બેકઅપ પ્લાન હોવો જોઈએ. અમારા સંબંધીઓ ત્યાં રહે છે. જો કે, મેં વિચાર્યું કે હું મારો અભ્યાસ પૂર્ણ કરીશ અને પછી...મારા કાકા ત્યાં રહે છે. જો કે મારી મમ્મી ત્યાં જવા ઈચ્છતા ન હતા, કારણ કે તે એક અલગ સંસ્કૃતિ છે. હું ખૂબ જ ખુશ છું અને ખૂબ નસીબદાર છુ કે તે નિર્ણય કામ કરી કર્યો. હું ખુશ છે કે હું અહીં કામ કરું છુ. હું ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છુ."