Get The App

બુમરાહ અને સ્મૃતિ માંધાનાને ડબલ જેકપોટ! શ્રેષ્ઠ દેખાવ બદલ ICCએ આપ્યો ઍવોર્ડ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
bumrah smriti mandhana icc


Jasprit Bumrah Smriti Manddhana ICC Player of The Month Award: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મહિલા ટીમની વાઇસ કેપ્ટન મંધાનાને જૂન માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યા છે. બૂમરાહે ભારતે જીતેલ T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ સિરીઝનો ઍવોર્ડ જીત્યો હતો. તેમાં તેણે 14 વિકેટો ઝડપી હતી અને આ દરમિયાન તેણે 8.26ની એવરેજ અને 4.17ના ઈકોનોમી રેટથી બોલિંગ કરી હતી. 

સ્મૃતિ માટે મોટી સિદ્ધિ

મંધાનાનો આ પ્રથમ પ્લેયર ઓફ ધ મહિનાનો એવોર્ડ છે. તેણે ગયા મહિને સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ત્રણ મેચમાં બે સદી અને એક અડધી સદી ફટકારી હતી. આ સિવાય ટેસ્ટ મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી. 

સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું કે, 'હું જૂન મહિના માટે ICC શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ જીતીને ગર્વ અનુભવું છું. ટીમે જે રીતે પ્રદર્શન કર્યું અને તેમાં મારા યોગદાનથી હું ખૂબ જ ખુશ છું. અમે ODI અને ટેસ્ટ શ્રેણી જીતી છે અને મને આશા છે કે અમે ભવિષ્યમાં પણ આ ગતિ જાળવી રાખીશું અને હું ભારતની જીતમાં યોગદાન આપતી રહીશ.'

T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે કેપ્ટન રોહિત શર્મા સાથેની સ્પર્ધામાં જૂન મહિના માટે ICC શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો. રોહિતે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા સામેના 92 રનનો પણ સમાવેશ થાય છે. બૂમરાહે આ મામલે રોહિતને જ નહીં પરંતુ અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને પણ પાછળ છોડી દીધો છે. જ્યારે, મહિલા કેટેગરીમાં, ભારતીય ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના વિજેતા તરીકે ઉભરી આવી હતી. 

બૂમરાહે કહ્યું એવોર્ડ જીતીને અભિભૂત છું

બુમરાહે ICCને ટાંકીને કહ્યું , 'મારા માટે આ એક ખાસ સિદ્ધિ છે, જૂન મહિના માટે ICC સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીતીને હું ખૂબ જ અભિભૂત છું.' ભારત ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની છે. ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેનેડા સામેની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે બાકીની તમામ આઠ મેચ જીતી હતી. 

તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં મંધાનાએ પ્રથમ વનડેમાં 117 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે બીજી મેચમાં સતત બીજી સદી ફટકારી અને 120 બોલમાં 136 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં પણ મંધાના સદી તરફ આગળ વધી રહી હતી, પરંતુ 90 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન મંધાનાએ 100થી વધુના સ્ટ્રાઈક રેટથી 343 રન બનાવ્યા હતા.  


Google NewsGoogle News