કોહલીના શબ્દો અને બુમરાહની સ્માઇલ! ક્રિકેટરના આ VIDEOએ તો બધાને ઈમોશનલ કરી દીધા
Jasprit Bumrah Video after T20 World cup victory: ભારતીય ટીમે ICC T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. આ રોમાંચક મેચમાં ભારતે હારેલી બાજીને જીતમાં પલટી નાખી હતી. T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ખેલાડીઓનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના કરોડરજ્જુ સમાન ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે હવે એક ભાવુક કરી દે એવો વીડિયો શેર કરીને સૌનો આભાર માન્યો છે. તેણે કહ્યું હતું કે તે છેલ્લા કેટલાક દિવસોથી તે જાણે સપનામાં જીવી રહ્યો છે.
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે રમાયેલી આ ટૂર્નામેન્ટમાં બૂમરાહે 15 વિકેટ ઝડપી હતી. 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવવામાં બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
આ યાદગાર દિવસો બાદ હવે બુમરાહે X પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, “હું છેલ્લા કેટલાક દિવસો માટે ખૂબ જ આભારી છું. હું એક સ્વપ્ન જીવી રહ્યો છું અને તેણે મને ખુશી અને કૃતજ્ઞતાથી ભરી દીધો છે.''
આ વીડિયોમાં ભારત પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અને મુંબઈમાં લાખો ચાહકો સાથેની પરેડની 42-સેકન્ડની એક ક્લિપ છે. ગુરુવારે પરેડ બાદ સન્માન સમારોહ દરમિયાન વિરાટ કોહલીના શબ્દોનો ઑડિયો પણ સામેલ છે જેમાં તે બુમરાહના યોગદાનની પ્રશંસા કરી રહ્યો છે. કોહલીએ વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ દરમિયાન કહ્યું હતું કે બુમરાહ જેવો ખેલાડી ઘણી પેઢીઓમાં એક જ વાર જન્મે છે. ત્યાર પછી સ્ટેડિયમમાં બુમરાહના નામના નારા લાગ્યા હતા.
બુમરાહે હાર્દિક પંડ્યા સાથે મળીને દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં ભારતને શાનદાર વાપસી કરાવી હતી. એક સમયે, દક્ષિણ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી પરંતુ આ બંનેએ મળીને ટીમ ઈન્ડિયાને વાપસી કરાવી હતી અને ભારત સાત રનથી ફાઇનલ જીત્યું હતું.