ગુજરાતના ધરખમ બોલરની વાપસીથી અંગ્રેજોનું વધશે ટેન્શન! રોહિત બે ખેલાડીને આરામ આપી શકે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ધર્મશાલામાં રમાશે
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે
Image:Twitter |
IND vs ENG 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ઇંગ્લેન્ડ સામે રમાનારી આ છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ શકે છે. મળેલા અહેવાલો મુજબ તમામ ભારતીય ખેલાડીઓ ગઈકાલે રાંચીથી રવાના થઈ ચૂક્યા છે. BCCIએ તમામ ખેલાડીઓને 2 માર્ચ સુધીમાં ચંદીગઢમાં ભેગા થવાનો નિર્દેશ આપ્યો છે. બુમરાહ પણ ચંદીગઢમાં જ ટીમ સાથે જોડાશે. આ પછી આખી ટીમ 3 માર્ચે ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ધર્મશાલા પહોંચશે.
બુમરાહની થઇ શકે વાપસી
જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો. ટીમ મેનેજમેન્ટે તેને વર્કલોડના કારણે આરામ આપ્યો હતો. રાંચી ટેસ્ટમાં બુમરાહની જગ્યાએ આકાશ દીપે ડેબ્યુ કર્યું હતું. આકાશ દીપની પ્રથમ વખત ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેણે પોતાની ડેબ્યુ મેચમાં જ 3 વિકેટ ઝડપી હતી. આ સીરિઝમાં બુમરાહનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે 3 મેચમાં 13.65ની એવરેજથી 17 વિકેટ લીધી છે.
ભારતીય ટીમમાં થઇ શકે છે ફેરફાર
કેપ્ટન રોહિત શર્મા ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ-11માં બે ફેરફાર કરી શકે છે. મળેલા અહેવાલો મુજબ રાંચી ટેસ્ટમાં રમનારા 11 ખેલાડીઓમાંથી રોહિત એક બેટર અને એક બોલરને આરામ આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે યશસ્વી જયસ્વાલને આરામ આપી શકાય, કારણ કે યશસ્વીએ આ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે જ રજત પાટીદાર ટીમમાંથી બહાર થઇ શકે છે.
કે.એલ રાહુલના રમવા પર પણ સસ્પેન્સ
ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં કે.એલ રાહુલના રમવા પર પણ સસ્પેન્સ છે. હૈદરાબાદ ટેસ્ટથી ટીમની બહાર રહેલો રાહુલ પોતાની ઈજાની સારવાર માટે ઈંગ્લેન્ડ ગયો છે. આવી સ્થિતિમાં સીરિઝની છેલ્લી ટેસ્ટમાં રમવું તેના માટે ઘણું મુશ્કેલ છે. રાહુલ હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે વિશાખાપટ્ટનમ, રાજકોટ અને રાંચી ટેસ્ટમાં રમ્યો ન હતો.