Get The App

બુમરાહની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં 150 વિકેટ ઝડપી તોડ્યો મુરલીધરન અને હરભજનનો રેકોર્ડ

જસપ્રીત બુમરાહે બીજી ટેસ્ટ મેચમાં ભારત માટે 6 વિકેટ ઝડપી હતી

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
બુમરાહની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં 150 વિકેટ ઝડપી તોડ્યો મુરલીધરન અને હરભજનનો રેકોર્ડ 1 - image
Image:Twitter

Jasprit Bumrah Record : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઘાતક બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહે બેન સ્ટોક્સને બોલ્ડ કર્યાની સાથે જ ટેસ્ટ કરિયરમાં 150 વિકેટ પૂરી કરી લીધી હતી. બુમરાહે તેની 34મી ટેસ્ટમાં 150 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. આ કરીને બુમરાહે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. 

ભારત તરફથી સૌથી ઝડપી 150 વિકેટ લેનાર બોલર બન્યો બુમરાહ

બુમરાહ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો બોલર બની ગયો છે. ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ અશ્વિનના નામે છે. અશ્વિને 29 ટેસ્ટમાં 150, જાડેજાએ 32 ટેસ્ટમાં, પ્રસન્નાએ 34 ટેસ્ટમાં અને કુંબલેએ 34મી ટેસ્ટમાં 150 વિકેટ પૂરી કરી હતી. એટલે કે બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં કુંબલે અને પ્રસન્નાની બરાબરી કરી લીધી છે.

બુમરાહે તોડ્યો મુરલીધરનનો રેકોર્ડ

બુમરાહે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાના મામલે મુરલીધરન, હરભજન સિંહ અને પાકિસ્તાનના સકલેન મુશ્તાકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સકલેન મુશ્તાકે તેની ટેસ્ટ કરિયરની 35મી મેચમાં 150 વિકેટ ઝડપી હતી. જયારે મુરલીધરને 36મી ટેસ્ટમાં 150 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ સિવાય હરભજન સિંહે 35મી ટેસ્ટ દરમિયાન ટેસ્ટમાં 150 વિકેટ પૂરી કરી હતી.

સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના સિડની ફ્રાન્સિસ બાર્ન્સના નામે

ઓસ્ટ્રેલિયાના મેકગ્રા અને મિચેલ જોન્સને પણ 34મી ટેસ્ટ દરમિયાન પોતાના ટેસ્ટ કરિયરમાં 150 વિકેટ પૂરી કરી હતી. જો કે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના સિડની ફ્રાન્સિસ બાર્ન્સના નામે છે. બાર્ન્સે માત્ર 24 ટેસ્ટ મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. આ સિવાય પાકિસ્તાનના વકાર યુનિસે 27 ટેસ્ટમાં 150 ટેસ્ટ વિકેટ પૂરી કરવામાં સફળતા મેળવી હતી.

બુમરાહની વધુ એક સિદ્ધિ, ટેસ્ટમાં 150 વિકેટ ઝડપી તોડ્યો મુરલીધરન અને હરભજનનો રેકોર્ડ 2 - image


Google NewsGoogle News