IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ગિલ, પંત કે કે. એલ. રાહુલ નહીં, આ સ્ટાર ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવી ચોંકાવ્યા
Jasprit Bumrah : BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની સીરિઝને લઈને રોહિત શર્માના નેતૃત્વ હેઠળની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ વધુ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવ્યો છે.
બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ માટે રોહિત શર્મા કેપ્ટન હતો. પરંતુ બોર્ડે આ સીરિઝ માટે કોઈ પણ વાઈસ-કેપ્ટન તરીકે કોઈની નિમણૂક કરી ન હતી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા અંગત કારણોસર ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સીરિઝની પહેલી કે બીજી ટેસ્ટમાંથી બહાર રહી શકે છે.
આ સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામે બુમરાહને ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવો એ સંકેત આપી રહ્યું છે કે જો રોહિત શર્મા નહી રમે તો બુમરાહ આ સીરિઝની પહેલી કે બીજી મેચમાં કાર્યકારી કેપ્ટન બની શકે છે. કારણ કે સુત્રોના જણાવ્યા અનુસાર રોહિત પહેલી કે બીજી અથવા તો બંને મેચમાં રમશે નહી.
આગાઉ જસપ્રિત બુમરાહ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. બુમરાહે જુલાઈ 2022માં ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતે પાંચમી ટેસ્ટ મેચમાં કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે 2023માં આયર્લેન્ડ સામેની T20 સીરિઝમાં પણ ભારતનું નેતૃત્વ કરી ચૂક્યો છે.
આ સિવાય બુમરાહ વાઈસ કેપ્ટનની પણ ભૂમિકા નિભાવી ચુક્યો છે. 2022માં શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે બુમરાહને વાઇસ-કેપ્ટનની જવાબદારી આપવામાં આવી હતી. આ સિવાય તેણે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચ અને ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં વાઇસ-કેપ્ટનની ભૂમિકા ભજવી હતી.
તાજેતરમાં બુમરાહે બાંગ્લાદેશ સામે કરેલા શાનદાર પ્રદર્શન બાદ ICC બોલર્સ રેન્કિંગમાં તેણે નંબર 1 સ્થાન પાછું મેળવ્યું હતું. ઓગસ્ટ 2023માં ઈજાગ્રસ્ત થયા બાદ હવે તે પરત ફરીને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે 8 ટેસ્ટ મેચોમાં 42 વિકેટ ઝડપી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેની સરેરાશ 14.69 રહી હતી. બુમરાહે ભારત માટે રમેલી 38 ટેસ્ટમાં 20.18ની સરેરાશથી 170 વિકેટ લીધી છે. જેમાં 10 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.