જાણીતા સર્જન પાસે સલાહ લઈ રહ્યો છે જસપ્રીત બુમરાહ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ચિંતાજનક સમાચાર!
Image: Facebook
Champions Trophy 2025: ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનું આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું નક્કી નથી. ઝડપી બોલર આ મહત્ત્વની ટુર્નામેન્ટમાં ત્યારે રમી શકશે જ્યારે તે પોતાની પીઠની ઈજાથી સંપૂર્ણરીતે સાજો થઈ શકશે. બુમરાહને ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં જ ખતમ થયેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ દરમિયાન પીઠમાં ખેંચાણ થયું હતું અને તેને સ્કેન માટે સિડનીના સ્ટેડિયમથી હોસ્પિટલ લઈ જવાયો હતો. તેણે હવે પોતાની ઈજાને લઈને ન્યૂઝીલેન્ડના ઓર્થોપેડિક સર્જન ડૉ. રોવન શાઉટનથી સલાહ લીધી છે.
શાઉટન તે જ વ્યક્તિ છે, જેમણે ભારતીય ઝડપી બોલરનું 2023માં ઓપરેશન કર્યું હતું અને ત્યારે પણ તેને પીઠમાં ઈજા પહોંચી હતી. તેની સાથે હાલ બીસીસીઆઈની મેડીકલ ટીમ સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ સિલેક્ટર્સને પણ તેની જાણકારી આપવામાં આવશે.
બુમરાહનું ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાં રમવું મુશ્કેલ
અજીત અગરકરની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યની ટીમ પસંદ કરવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવું એટલા માટે કેમ કે બુમરાહની ભાગીદારી અધવચ્ચે છે. એક રિપોર્ટ અનુસાર બુમરાહને આ ટુર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવાની શક્યતા છે પરંતુ તે માત્ર ત્યારે રમશે જ્યારે બોલિંગ કરતી વખતે બિલકુલ દુખાવો ન અનુભવાય.
ઝડપી બોલરને ઈંગ્લેન્ડ વિરુદ્ધ લિમિટેડ ઓવરની ઘરેલુ સીરિઝ માટે આરામ આપવામાં આવશે. જે 22 જાન્યુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ રવાના થયા પહેલા ઈંગ્લિશ ટીમ વિરુદ્ધ પાંચ ટી-20 અને ત્રણ વનડે મેચ રમશે. આ સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવાની તારીખ 12 જાન્યુઆરી છે.
શમી પર ટકી સૌની નજર
તેથી એ જોવાનું રસપ્રદ હશે કે સિલેક્ટર્સ મોહમ્મદ શમીની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસીને ધ્યાનમાં રાખતાં બોલિંગ યુનિટને કેવી રીતે તૈયાર કરે છે. આ અનુભવી બોલર 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન થયેલી ઈજાના કારણે એક વર્ષ સુધી મેદાનથી દૂર રહ્યા બાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં એક્શનમાં પાછો ફર્યો છે. વાપસી બાદ તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે.