'બુમરાહ તો વર્લ્ડક્લાસ બોલર છે..', ઝઘડો કરનારા સેમ કોન્સટાસનું મોટું નિવેદન
Sam konstas on Jasprit Bumrah : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝ ઓસ્ટ્રેલિયન ટીમે 3-1થી જીતી લીધી હતી. આ સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન ભલે નિરાશાજનક રહ્યું હોય પરંતુ ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પૂરી સીરિઝમાં એકલા હાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની બોલિંગના કારણે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને આ સીરિઝમાં ઘણી પરેશાન કરી હતી. આ જ કારણ હતું કે જસપ્રીત બુમરાહને 'પ્લેયર ઓફ ધ સીરિઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સીરિઝની છેલ્લી મેચ દરમિયાન બુમરાહની ઓસ્ટ્રેલિયાના બેટર સેમ કોન્સટાસ સાથે બોલાચાલી થઇ હતી. જો કે હવે સીરિઝ ખતમ થયા બાદ સેમ કોન્સટાસે તે મુદ્દાને લઈને મોટો ખુલાસો કર્યો છે.
કોન્સટાસે શું કહ્યું?
આ મુદ્દા અંગે કોન્સટાસે કહ્યું હતું કે, ' મેં બુમરાહને માત્ર એટલું જ કહ્યું હતું કે ખ્વાજા હમણાં રમવા માટે તૈયાર નથી. મને લાગે છે કે હું સ્પર્ધાનો આનંદ માણું છું અને મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું. કદાચ મારા માટે આ શીખવાની તક હતી. હું ત્યાં (મેદાન પર) થોડો સમય બગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો જેથી તેને બીજી ઓવર ન મળે. પરંતુ બુમરાહે ખ્વાજાની વિકેટ ઝડપી લીધી હતી. દેખીતી રીતે તે એક વર્લ્ડ ક્લાસ બોલર છે. તેણે આ સીરિઝમાં કુલ 32 વિકેટ લીધી છે.'
શું હતો સમગ્ર મામલો?
સિડનીમાં બંને ટીમો વચ્ચે રમાયેલી 5મી ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે ઓસ્ટ્રેલિયન ઓપનર ઓછામાં ઓછી એક ઓવર રમવા ઇચ્છતા હતા. જેથી દિવસની રમતના અંત સુધી તેમની ટીમની કોઈ વિકેટ ન પડે. જેના કારણે તેમણે ઘણો સમય વેડફી નાખ્યો હતો પરંતુ બુમરાહને આ પસંદ ન આવ્યું અને તેણે ઉસ્માન ખ્વાજાને સમય ન બગાડવાનું કહ્યું. આ દરમિયાન સેમ કોન્સટાસે બુમરાહને કંઈક કહેવા લાગ્યો હતો. ત્યારબાદ બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી બુમરાહે એ જ ઓવરના છેલ્લા બોલ પર ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી હતી.